સત્ય. સાહસ. સંકલ્પ.

ટાઈગર વુડ્સનું લાયસન્સ 5 વર્ષ માટે સસ્પેન્ડ, જેલ નહીં

ટાઈગર વુડ્સનું લાયસન્સ 5 વર્ષ માટે સસ્પેન્ડ, જેલ નહીં

અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સનું ડ્રાઈવિંગ લાયસન્સ ફ્લોરિડામાં પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. માર્ટિન કાઉન્ટી કોર્ટે માર્ચમાં થયેલા રોડ અકસ્માતમાં તેમની બેદરકારીને કારણે આ નિર્ણય લીધો છે. જોકે, તેમને જેલમાં જવું પડશે નહીં.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, 50 વર્ષીય વુડ્સ સામે આ બીજો કેસ છે. અગાઉ 2017માં પણ તેમના પર નશાની હાલતમાં ગાડી ચલાવવાનો આરોપ હતો.

અદાલતે વુડ્સના નશામાં ડ્રાઈવિંગના આરોપને બેદરકારીથી ગાડી ચલાવવાના આરોપમાં ફેરવી દીધો છે. આ ગુનો બીજી વખત હોવાથી તેમને જેલ નહીં થાય. 2017ના કેસમાં વુડ્સે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો આરોપ સ્વીકાર્યો હતો અને DUI ડાયવર્ઝન પ્રોગ્રામ પૂરો કરવો પડ્યો હતો.

અકસ્માતની વાત કરીએ તો, વુડ્સની કાર એક પિકઅપ ટ્રક સાથે અથડાઈને પલટી ગઈ હતી. બંનેને ઈજા થઈ ન હતી. વુડ્સે પોલીસને જણાવ્યું હતું કે તેણે ફોન નીચે જોયો અને રેડિયો સ્ટેશન બદલી રહ્યો હતો.

સોબ્રાયટી ટેસ્ટમાં ફેલ થવાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. બ્રીથલાઇઝરમાં દારૂ મળ્યો ન હતો, પરંતુ તેમણે યુરિન ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો. વુડ્સે અધિકારીઓને જણાવ્યું હતું કે તેણે કેટલીક ગોળીઓ લીધી હતી. તેમના ખિસ્સામાંથી હાઈડ્રોકોડોનની બે ગોળીઓ મળી આવી હતી.

વુડ્સના વકીલ ડગ્લાસ ડંકને બંને આરોપોમાં નિર્દોષ હોવાની દલીલ કરી હતી અને જ્યુરી ટ્રાયલની માગ કરી હતી. બાદમાં વુડ્સે સારવાર લેવા માટે થોડા સમય માટે રમતમાંથી વિરામ લીધો હતો અને સ્વિટ્ઝર્લૅન્ડના રિહેબ સેન્ટરમાં કેટલાક અઠવાડિયા વિતાવ્યા હતા.