મુંબઈમાં 18 ઓક્ટોબરે ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના બની હતી. ટાઇગર ફૂટબોલ રમ્યા બાદ જુહૂ વિસ્તારમાંથી નીકળી રહ્યા હતા, ત્યારે તેમની કાર પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં ટાઇગરને ગોળી વાગી નહોતી, પરંતુ તેમના ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા. ત્યારબાદ ટાઇગરના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ટાઇગરને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. મુંબઈ પોલીસની પ્રોટેક્શન બ્રાન્ચે ટાઇગરની સુરક્ષા માટે બોડીગાર્ડ્સ તૈનાત કર્યા છે. તે જ સમયે, સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી એક પોલીસ અધિકારી અને વધારાના જવાનોને પણ તેમની સુરક્ષામાં મૂકવામાં આવ્યા છે.
ટાઇગર પર ફાયરિંગ કરનારા આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે પહેલાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમારની રેકી કરી હતી, પરંતુ સુરક્ષા વધુ હોવાને કારણે પ્લાન બદલી દીધો હતો.
ભારતમાં સુરક્ષા આપવાનો નિર્ણય કોઈ વ્યક્તિની લોકપ્રિયતાના બદલે તેના સામે રહેલા જોખમના મૂલ્યાંકનના આધારે કરવામાં આવે છે. કેન્દ્રીય સ્તરે ગૃહ મંત્રાલય અને રાજ્ય સ્તરે સંબંધિત સરકારો ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે સુરક્ષા નક્કી કરે છે. જરૂરિયાત મુજબ સુરક્ષા વધારી, ઘટાડીને અથવા પાછી પણ ખેંચી શકાય છે.
બોલિવૂડના અનેક સેલેબ્સને અલગ-અલગ કેટેગરીમાં સુરક્ષા મળી છે. જોકે, સમયની સાથે સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે.
સલમાન ખાન — Y+ સુરક્ષા
સલમાન ખાનને નવેમ્બર 2022માં ધમકીઓ મળ્યા બાદ Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. તેમની સુરક્ષામાં મુંબઈ પોલીસના જવાનો અને સશસ્ત્ર કમાન્ડો સામેલ હોય છે. એપ્રિલ 2024માં તેમના ઘરની બહાર થયેલા ફાયરિંગ બાદ પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી હતી. ટાઇગરની કાર પર ફાયરિંગ બાદ સલમાનના ઘરની બહાર વધારાની પોલીસ દેખરેખ અને બેરિકેડિંગના અહેવાલો આવ્યા હતા.
શાહરુખ ખાન — Y+ સુરક્ષા
મહારાષ્ટ્ર સરકારે ઑક્ટોબર 2023માં શાહરુખ ખાનની સુરક્ષા વધારીને Y+ કેટેગરીની કરી હતી. આ પહેલાં તેમને બે પોલીસ કોન્સ્ટેબલ સુરક્ષા આપતા હતા. ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ શાહરુખને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ત્યારબાદ તેમણે રાજ્ય સરકાર પાસે સુરક્ષા વધારવાની માંગ કરી હતી. Y+ સુરક્ષા હેઠળ શાહરુખ સાથે 11 સુરક્ષાકર્મીઓ તૈનાત રહે છે. તેમાં 6 કમાન્ડો સામેલ છે, જે ત્રણ શિફ્ટમાં તેમની સુરક્ષા કરે છે. જ્યારે 5 સશસ્ત્ર પોલીસકર્મીઓ તેમના મુંબઈ સ્થિત ઘર ‘મન્નત’ની સુરક્ષામાં તૈનાત રહે છે. આ સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ શાહરુખ ખાન પોતે ઉઠાવે છે. આ પેઇડ સિક્યુરિટી વ્યવસ્થા છે. આ હેઠળ સુરક્ષા પાછળ થતો ખર્ચ અભિનેતા મહારાષ્ટ્ર સરકારને ચૂકવે છે.
કંગના રનૌત — Y+ સુરક્ષા
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં કંગના રનૌતને Y+ કેટેગરીની સુરક્ષા આપી હતી. આ પ્રકારનું સુરક્ષા કવર મેળવનારી તે પ્રથમ બોલિવૂડ અભિનેત્રી બની હતી. તેમની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના કમાન્ડોને સોંપવામાં આવી હતી. તે સમયે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગના અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) સાથે કર્યા બાદ પણ કંગનાને ટીકા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને મુંબઈ ન આવવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ કંગનાના પિતાએ સુરક્ષાની માંગ કરી હતી. જોખમનું મૂલ્યાંકન કર્યા પછી કેન્દ્ર સરકારે તેમને Y+ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. કંગના હાલમાં ભાજપના સાંસદ પણ છે.
અમિતાભ બચ્ચન — X કેટેગરીની સુરક્ષા
મહારાષ્ટ્ર સરકારે નવેમ્બર 2022માં અમિતાભ બચ્ચનની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ તેને વધારીને X કેટેગરીની કરી દીધી હતી. આ પહેલાં તેમને સામાન્ય પોલીસ સુરક્ષા મળી રહી હતી. આ વ્યવસ્થા હેઠળ મુંબઈ પોલીસના જવાનો તેમની સુરક્ષામાં તૈનાત રહે છે.
અક્ષય કુમાર — X કેટેગરીની સુરક્ષા
મહારાષ્ટ્ર સરકારે ખતરાના આકલન બાદ અક્ષય કુમારને X કેટેગરીની સુરક્ષા આપી હતી. ટાઇગર પર થયેલા ગોળીબાર બાદ તપાસમાં સામે આવ્યું કે અક્ષય કુમારના ઘરની પણ રેકી કરવામાં આવી હતી. આ પછી કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે અક્ષયના જુહુ સ્થિત ઘરમાં બુલેટપ્રૂફ કાચ લગાવવાનું કામ શરૂ થયું. જોકે, ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સ્થળ પર વધારાના પોલીસ દળ અથવા બુલેટપ્રૂફ કાચ લગાવવામાં આવ્યા હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા નથી.
અનુપમ ખેર — X કેટેગરીની સુરક્ષા
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયા બાદ અનુપમ ખેરને ધમકીઓ મળવા અને સુરક્ષા સંબંધિત મૂલ્યાંકનના આધારે X કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.