સત્ય. સાહસ. સંકલ્પ.

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: સુરત રેલવે સ્ટેશનથી ત્રણેય આરોપી ટ્રેનમાં ભાગ્યા, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTVમાં જોયા

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: સુરત રેલવે સ્ટેશનથી ત્રણેય આરોપી ટ્રેનમાં ભાગ્યા, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTVમાં જોયા

મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પર મોડી રાત્રે આશ્ચર્યજનક તપાસ હાથ ધરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શકમંદોની કડી સુરત સુધી લંબાતાં પોલીસની ટીમે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો અત્યંત ઉતાવળમાં દોડતા અને પ્લેટફોર્મ નંબર-1 પરથી ચાલુ ટ્રેનમાં ચડી જતા જોવા મળ્યા હતા. આ ટ્રેન પુણે-જયપુર એક્સપ્રેસ હોવાનું અનુમાન છે, જે રાત્રે આશરે 1:35 વાગ્યે સુરત સ્ટેશન પર આવી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ટીમ સાથે સુરત પહોંચ્યા હતા અને સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સાથે સંકલન સાધ્યું હતું. ઓપરેશનની ગોપનીયતા જાળવવા માટે શરૂઆતમાં આરપીએફને જાણ કરવામાં આવી નહોતી. ડીસીપીએ જાતે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરી હતી અને નક્કર કડી મળતાં જ આરપીએફ તથા સ્થાનિક પોલીસને એલર્ટ કર્યા હતા.

જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ જ્યારે સુરત સ્ટેશને પહોંચી ત્યારે ટ્રેન સુરતથી નીકળીને રતલામ પહોંચી ચૂકી હતી. ટ્રેન પહેલેથી જ નીકળી ગયા હોવાથી સુરત આરપીએફને કોઈ એલર્ટ અપાયું નહોતું. સ્થાનિક રેલવે પોલીસને આ મામલાની જાણ સવારે 11 વાગ્યાની આસપાસ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ટાઈગર શ્રોફ પર રવિવારે મોડી રાત્રે 7 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને 15 કલાકમાં રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી. કોટા પોલીસે મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળતાં જ 15 મિનિટમાં કાર્યવાહી કરી હતી. કોટાના એસપી તેજસ્વિની ગૌતમના જણાવ્યા મુજબ, ત્રણેય આરોપીઓ પુણે-જયપુર એક્સપ્રેસથી જયપુર જઈ રહ્યા હતા.

આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસની ઝડપી કાર્યવાહી અને ગોપનીયતાને કારણે સ્થાનિક પોલીસને પણ ઘટનાની જાણ મોડી પડી હતી. હાલ તપાસ ચાલુ છે.