સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર, ડ્રાઈવર અને રિક્ષાચાલક ઈજાગ્રસ્ત; લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર, ડ્રાઈવર અને રિક્ષાચાલક ઈજાગ્રસ્ત; લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ટાઈગર શ્રોફ ફૂટબોલ રમીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જુહુના જેવીપીડી ગ્રાઉન્ડ પાસે બાઈક પર સવાર ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની કાર પર 5 થી 7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઈગર શ્રોફના ડ્રાઈવર અને ત્યાંથી પસાર થઈ રહેલા એક રિક્ષાચાલકને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, "જુહુ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ ગોળીબારની ઘટના બની છે. ટાઈગર શ્રોફ સુરક્ષિત છે, તેમને કોઈ ગોળી વાગી નથી. અમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ કરી રહ્યા છીએ."

આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું સામે આવ્યું છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.