મુંબઈના જુહુ વિસ્તારમાં 18 ઓક્ટોબરની રાત્રે થયેલા ગોળીબાર બાદ બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ ચર્ચામાં છે. ટાઈગર પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિઓએ તેમના વાહન પર અચાનક ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઈગરના ડ્રાઈવરને ગોળી વાગી હતી, જ્યારે ટાઈગરને ગનપાઉડર અને કારની બારીનો કાચ તૂટવાથી ઈજાઓ થઈ હતી.
ઘટનાના ચાર દિવસ બાદ ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફે તેમના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જે મૂળરૂપે ટાઈગરની ટીમ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ટાઈગરે પોતાના હાથ પર થયેલી ઈજાઓ દર્શાવી છે. તેમના હાથ પર નાના-નાના લાલ ચાઠા સ્વરૂપે નિશાન જોવા મળે છે. વીડિયાના કેપ્શનમાં લખ્યું છે, “ઈશ્વર દયાળુ છે.”
ટાઈગરની ટીમે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં ટાઈગર ધીમેથી પોતાનો હાથ બતાવે છે. આ દ્રશ્ય જોઈને ચાહકો ચિંતિત થયા છે અને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ માંગી રહ્યા છે. ચાહકોએ કોમેન્ટમાં લખ્યું છે, “જલદી સાજા થઈ જાઓ, ટાઈગર, મહાદેવ હંમેશા તમારી સાથે છે.” અન્ય એક યુઝરે લખ્યું, “ઈશ્વર હંમેશા તમારી પડખે છે.”
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ ટાઈગર શ્રોફના ચાહકો ખૂબ જ ચિંતિત હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા આતુર હતા. હવે ટાઈગરની ટીમ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોથી ચાહકોને થોડી રાહત થઈ છે.