મુંબઈ: અભિનેતા ટાઈગર શ્રોફ પર ગોળીબારના કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો 35 હજાર રૂપિયા અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ આપીને કરાવવામાં આવ્યો હતો. કેસમાં સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાજ તિલક રોશને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ મામલાની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચની આશરે 20 ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ મદદના આધારે આરોપીઓનો પીછો કરવામાં સફળતા મળી. દિલ્હી અને રાજસ્થાન પોલીસની મદદથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત હરિયાણા પોલીસની મદદથી સમીર નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેણે આરોપીઓ અને કેલિફોર્નિયા સ્થિત લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાથી અનિલ પંડિત વચ્ચે સંપર્ક કરાવવામાં મદદ કરી હતી.
ડીસીપીએ જણાવ્યું કે, સમીરે આરોપીઓમાંથી એક રેહાન (ઉર્ફે સુક્કા)ને 35,000 રૂપિયા અને વિદેશમાં સ્થાયી થવાની તક આપવાનું વચન આપીને લાલચ આપી હતી. આ ઘટના પહેલા ટાઈગર શ્રોફને ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ મામલા પાછળના મોટા ષડયંત્રનો જલ્દી પર્દાફાશ થશે. પોલીસ ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ’ (SOPs) અને કોર્ટના નિર્દેશોનું પાલન કરી રહી છે.
ઘટનાના દિવસે ત્રણ વ્યક્તિઓ મોટરસાયકલ પર આવ્યા હતા. તેમાંથી બે જણે ગોળીબાર કર્યો અને ત્યારબાદ તે જ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા. હુમલા બાદ ગુનેગારો લગભગ 15 મિનિટ સુધી ઘટનાસ્થળે જ રોકાયા હતા. તપાસ દરમિયાન અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશન નજીકથી ઘટનામાં વપરાયેલી મોટરસાયકલ મળી આવી હતી. ત્યારબાદ તકનીકી વિશ્લેષણ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓએ લીધેલો રસ્તો શોધી કાઢવામાં આવ્યો.
ડીસીપી રાજ તિલક રોશને વધુમાં જણાવ્યું કે, આરોપીઓ ઉત્તર મુંબઈ થઈને સુરત પહોંચ્યા હતા. તેઓ પુણે-જયપુર એક્સપ્રેસમાં સવાર થયા હતા અને પોલીસે તે ચોક્કસ ડબ્બાની પણ ઓળખ કરી લીધી છે જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા. સંકલિત પ્રયાસો, ફિલ્ડ ઓપરેશન્સ અને ટેકનિકલ વિશ્લેષણની મદદથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તપસી આગળ વધારતાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
હાલમાં હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, જેમ જેમ વધુ કડીઓ સામે આવશે તેમ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બિશ્નોઈ ગેંગના નામે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ અંગે ડીસીપીએ કહ્યું કે, તે પોસ્ટની હજુ ચકાસણી કરવાની બાકી છે અને તેનો હેતુ સ્પષ્ટ નથી. આ પાસા પર તપાસ ચાલુ છે. ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવા છતાં તેમની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યા નથી. આરોપીઓમાં કોઈ સગીર નથી, તે તમામ પુખ્ત વયના છે. મુંબઈ પોલીસના સત્તાવાર રેકોર્ડ મુજબ, ટાઈગર શ્રોફ તરફથી અગાઉ કોઈ ફરિયાદ મળી ન હતી. એન્ટી-એક્સ્ટોર્શન સેલ પણ આ તપાસમાં જોડાયેલું છે.