મુંબઈના જુહુ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટનાક્રમ જાહેર કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરવામાં આવી છે અને તેમને મુંબઈ લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીઓમાં કોઈ સગીર નથી.
પોલીસે જણાવ્યું કે હુમલા બાદ આરોપીઓએ પોતાની બાઇક અંધેરી વેસ્ટ સ્ટેશન પાસે મૂકી દીધી હતી. ત્યારબાદ તેઓ અંધેરીની બીટ ચોકી થઈને લોકલ ટ્રેન દ્વારા બોરીવલી પહોંચ્યા. બોરીવલીથી તેમણે એપ દ્વારા કેબ બુક કરી અને સુરત ગયા. સુરતથી જયપુર એક્સપ્રેસ પકડીને તેઓ કોટા પહોંચ્યા. આરોપીઓમાંથી બે હરિયાણાના સોનીપતના અને એક બિહારનો રહેવાસી છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, 'ટાઈગર પર ફાયરિંગ બાદ અમે ૨૦ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. અમને માહિતી મળી કે આરોપીઓ ટ્રેન દ્વારા રાજસ્થાન જઈ રહ્યા છે. અમે તેમને કોટાથી ઝડપી લીધા. હત્યાના પ્રયાસ અને આર્મ્સ ઍક્ટ હેઠળ કેસ નોંધાયો છે. ત્રણેયને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.'
હુમલામાં ઉપયોગ થયેલી બાઇક ૧૧ સપ્ટેમ્બરે આરોપી રિતિકે ખરીદી હતી. રિતિક રેપિડ રાઇડર છે. આ બાઇક ૨૦૨૨થી ચાર લોકો પાસે રહી ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બાઇક ખાસ ટાઈગર પર હુમલા માટે જ ખરીદવામાં આવી હતી. હુમલા બાદ અંધેરીથી નીકળ્યા પછી આરોપીઓ લોકલ ટ્રેન દ્વારા બોરીવલી ગયા હતા. રિતિકે બોરીવલીથી એપ દ્વારા કેબ બુક કરી હતી. રેહાન અને ફૂલ સિંહ શૂટર હતા. ફૂલ સિંહની બંદૂક જામ થઈ ગઈ હતી. તે સગીર નથી. તસવીરોમાં કેપ પહેરેલો આરોપી રેહાન છે.
પોલીસે જણાવ્યું કે ઘટનામાં બે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અનેક રાઉન્ડ ગોળીબારી કરવામાં આવી હતી. આગળની તપાસ માટે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર જો પોસ્ટ સામે આવી છે તેની પણ તપાસ ચાલી રહી છે. હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે મોડી રાત્રે જુહુમાં ટાઈગર શ્રોફની કાર પર ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇક પરથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. આ હુમલામાં ટાઈગરને ગોળી વાગી ન હતી, પરંતુ તેમના ડ્રાઈવર અને એક ઓટો રિક્ષાચાલક ઘાયલ થયા હતા. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારી છે અને સલમાન ખાન સાથે કામ કરનારાઓને પણ ધમકી આપી છે. આ ઘટનાએ બોલિવૂડમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે.