બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફના જીવનની ઘણી રોચક વાતો છે. તેમનો જન્મ 2 માર્ચ, 1990માં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ જય હેમંત શ્રોફ છે. તેમની નાની બહેન ક્રિશ્ના શ્રોફ છે. ટાઇગરે મુંબઈની અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાંથી શાળાકીય શિક્ષણ લીધું હતું. 12 ધોરણ પૂરું કર્યા બાદ તેમણે એમિટી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો, પરંતુ કોલેજ શરૂ થાય તે પહેલાં જ તેમણે ફિલ્મ સાઇન કરી લેતાં કોલેજમાં ગયા નહોતા.
ટાઇગરનું નામ 'ટાઇગર' કેવી રીતે પડ્યું તેની વાત રસપ્રદ છે. તેમના પિતા જેકી શ્રોફે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'મેં મારા મોટાભાઈ હેમંતના નામ પરથી દીકરાનું નામ જય હેમંત રાખ્યું હતું. જોકે, મારો દીકરો નાનપણમાં ઘણો તોફાની હતો અને બધાને બચકાં ભરતો. આ ઉપરાંત તે લોકોને નખ પણ મારતો. આ જ કારણે મેં દીકરાનું નામ ટાઇગર પાડી દીધું હતું.'
ટાઇગરની લોકોને બચકાં ભરવાની આદત ધીમે ધીમે વધી ગઈ હતી. તે ઘરે આવનારા મહેમાનોને પણ બચકાં ભરતો. તેમની માતા આયેશા તેને મારતી પણ ખરી, પરંતુ આ આદત જતી નહોતી. એકવાર ટાઇગર અને ક્રિશ્ના વચ્ચે જોરદાર ઝઘડો થયો. ટાઇગરે પોતાની નાની બહેનને એટલી જોરથી બચકું ભર્યું કે ક્રિશ્નાને ડૉક્ટર પાસે લઈ જવી પડી. આ વાતથી આયેશાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ટાઇગરને લાલ મરચું ખવડાવી દીધું. ટાઇગર જ્યારે પણ કોઈને બચકું ભરે તો તેને લાલ મરચું ખવડાવવામાં આવતું. પછી તે એટલો ડરી ગયો કે તેણે બચકાં ભરવાનું બંધ કરી દીધું, પરંતુ તેનું નામ ટાઇગર જ રહ્યું.
ટાઇગર માત્ર 4 વર્ષનો હતો ત્યારે તેણે બ્રુસ લીની ફિલ્મ જોઈ અને તે તેનો ફેન થઈ ગયો. તેમના દાદીને માઇકલ જેક્સન ઘણા ગમતા, એટલે ટાઇગરે નાનપણમાં માઇકલ જેક્સનને ડાન્સ કરતા જોયા. આ કારણે ટાઇગરને ડાન્સ અને માર્શલ આર્ટ્સ પ્રત્યે જબરજસ્ત ક્રેઝ છે. તેણે નાનપણથી જ તાઇક્વાન્ડો અને વુશુની તાલીમ લેવાનું શરૂ કર્યું.
ટાઇગર ઘરમાં ઘણો તોફાની હતો. તેણે પોતાની નાની બહેન ક્રિશ્નાને વર્ષો સુધી એમ જ કહ્યું કે તે પરિવારની સગી દીકરી નથી પણ તેને દત્તક લેવામાં આવી છે. ક્રિશ્નાએ ખાસ્સા સમય સુધી આ વાત સાચી માની લીધી અને ઘણીવાર રડતી પણ હતી. જોકે, પછીથી જેકી શ્રોફે દીકરીને સાચી વાત કહી.
ટાઇગરને નાનપણમાં ઘરનું જમવાનું ભાવતું નહોતું. તેને જંક ફૂડ ઘણું ગમતું અને બંને ટાઇમ જંક ફૂડ જ ખાવાની જિદ કરતો. પિતા જેકી શ્રોફ દીકરાને જમાડવા દાળ-ભાત-શાક ત્રણેય મિક્સ કરીને બાઉલ બનાવે, પછી દીકરાને નવી નવી વાર્તાઓ કહે અને વાર્તા સાંભળવામાં તલ્લીન ટાઇગરને ચમચીથી જમાડી દેતા.
શાળામાં ટાઇગરને સિનિયર વિદ્યાર્થીઓ હેરાન કરીને બુલી કરતા. શરૂઆતમાં તો ટાઇગરને કંઈ ખબર પડતી નહીં. પછી જ્યારે ખબર પડી ત્યારે કોઈ બુલી કરવા આવે તો તે ત્યાંથી ઝડપથી ભાગી જતો.
ટાઇગરને નાનપણથી સ્પોર્ટ્સ ગમતું. તે સ્કૂલે ભણવા નહીં, પરંતુ સ્પોર્ટ્સ રમવા જતો. ટાઇગર ફૂટબોલ પાછળ ક્રેઝી હતો અને ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં જવા માગતો હતો. જોકે, ભારતમાં ક્રિકેટને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે, તેટલું અન્ય સ્પોર્ટ્સને નથી. આ કારણે ટાઇગરને ફૂટબોલમાં યોગ્ય તક મળી નહીં અને તે દરમિયાન તેને ફિલ્મની ઑફર થઈ. આમ, ફૂટબોલર બનવાને બદલે તે અભિનેતા બન્યો.
ટાઇગર પોતાના પિતા જેકીને રોલ મોડલ માને છે. જેકીએ ટાઇગરને બોલિવૂડ ડેબ્યૂ સમયે સલાહ આપી હતી કે જીવનમાં બોલવાનું ઓછું અને સાંભળવાનું વધુ.