મુંબઈ: 18 ઓક્ટોબરે ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ગોળીબારની ઘટના બાદ બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલાખોરોનું પહેલું નિશાન આમિર ખાન હતા, પરંતુ પછીથી તેમણે ટાઈગર શ્રોફને નિશાન બનાવ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આમિર ખાનના નિવાસસ્થાનની ત્રણ વખત રેકી કરી હતી. તેમણે નોંધ્યું કે આમિર ખાન ભાગ્યે જ ઘરની બહાર નીકળે છે અને જ્યારે નીકળે છે ત્યારે મોટાભાગે ફિલ્મ શૂટિંગ માટે જ હોય છે. આમિર ખાનની કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે હુમલાખોરો તેમનો પ્લાન પાર ન પાડી શક્યા અને પછી તેમણે ટાઈગર શ્રોફને નિશાન બનાવ્યા.
પોલીસના જણાવ્યા મુજબ, ટાઈગર શ્રોફ પરના હુમલામાં સામેલ આરોપીઓ પૈકીના બે, ફૂલ સિંહ અને રેહાન અન્સારીએ આમિર ખાનના ઘરની આસપાસ રેકી કરી હતી. આ દરમિયાન તેમની નજર ટાઈગર શ્રોફ પર પણ પડી હોઈ શકે છે, કારણ કે બંને અભિનેતા બાંદ્રામાં રહે છે અને તેમના ઘર વચ્ચેનું અંતર થોડા કિલોમીટરનું જ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓને આમિર ખાનને નિશાન બનાવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, આરોપીઓએ દાવો કર્યો છે કે તેમને આ પાછળનો હેતુ જણાવવામાં આવ્યો ન હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આમિર ખાન સુધી પહોંચવું મુશ્કેલ જણાતા હુમલાખોરોએ પોતાનું ધ્યાન ટાઈગર શ્રોફ તરફ કેન્દ્રિત કર્યું હતું.
આમિર ખાનના ઘરની રેકી દરમિયાન જ આરોપીઓ અનિલ પંડિતના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ ટાઈગર શ્રોફને નિશાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકામાં રહેતા પંડિતે એક કથિત ઓડિયો ક્લિપમાં શ્રોફ પરના હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ ક્લિપમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેના જોડાણનો પણ સંકેત આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આમિર ખાનને ભૂતકાળમાં પણ ધમકીઓ મળી ચૂકી છે. જુલાઈ 2026માં એવા અહેરાતો આવ્યા હતા કે અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનારા લોકો દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના પગલે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તે વખતે પણ અભિનેતાના ચાહકોએ સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી હતી.
હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા વધારી દેવામાં આવી છે.