સત્ય. સાહસ. સંકલ્પ.

તિબેટમાં 5ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળ સરહદથી 55 કિમી દૂર; પૂર પછી વધુ કસોટી

તિબેટમાં 5ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળ સરહદથી 55 કિમી દૂર; પૂર પછી વધુ કસોટી

નેપાળ સરહદથી લગભગ 55 કિલોમીટર દૂર તિબેટમાં ગુરુવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના જોશીમઠથી લગભગ 128 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.

ભૂકંપ જમીનની સપાટીથી ઘણી ઓછી ઊંડાઈએ આવ્યો. આવા ભૂકંપ વધુ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમની ભૂકંપીય ઊર્જા સપાટી સુધી ઝડપથી પહોંચે છે અને રસ્તામાં ઓછી નબળી પડે છે. જોકે, હાલમાં ભૂકંપથી કોઈ નુકસાન કે લોકોના ઘાયલ થવાના સમાચાર નથી.

આ ભૂકંપ એવા સમયે આવ્યો છે, જ્યારે 26 ઓગસ્ટે તિબેટ અને નેપાળમાં આવેલા પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી હતી. આ આફતમાં અત્યાર સુધીમાં કુલ 1273 લોકોના મોત થયા છે. જેમાં નેપાળમાં 1252 અને તિબેટમાં 21 લોકોના જીવ ગયા છે.

નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોક બહાદુર છેત્રીએ જણાવ્યું કે તિબેટમાં લગભગ 100 નેપાળી નાગરિકો ગુમ છે અને કેરુંગ વિસ્તારમાં લગભગ 1,500 નેપાળી નાગરિકો ફસાયેલા છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતમાં મળેલા ઓછામાં ઓછા 19 મૃતદેહો નેપાળની ભોટેકોશી નદીના પૂરના પાણીમાં તણાઈને ત્યાં પહોંચ્યા હતા.

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સતત મૃતદેહો મળી રહ્યા છે, જ્યારે લગભગ 4875 લોકો હજુ પણ ગુમ છે. સૌથી વધુ 355 મૃતદેહો ચિતવનમાંથી મળી આવ્યા છે. આ ઉપરાંત, નવલપરાસી ઈસ્ટમાંથી 218, નવલપરાસી વેસ્ટમાંથી 208 અને નુવાકોટમાંથી 177 મૃતદેહો મળ્યા છે.

પૂર પછી રસ્તાઓ અને પુલ ધોવાઈ જવાથી લોકોને નદી પાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. બિદુરમાં નેપાળી સેનાએ લગભગ 250 મીટર લાંબી અસ્થાયી કેબલ ક્રોસિંગ ઝિપલાઇન લગાવી છે, જેના સહારે પૂરગ્રસ્ત લોકો તેજ પ્રવાહવાળી નદી પાર કરી રહ્યા છે.