તિબેટમાં ગુરુવારે રાત્રે 8:03 વાગ્યે (ભારતીય સમય અનુસાર) 7.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 16 લોકોનાં મોત થયાં છે અને 54 લોકો ઘાયલ થયા છે.
ભૂકંપનું કેન્દ્ર તિબેટની રાજધાની લ્હાસાથી લગભગ 400 કિલોમીટર દૂર નાગકૂ વિસ્તારમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ચીનના ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) મુજબ સ્થાનિક વિસ્તારમાં આંચકા સ્પષ્ટ અનુભવાયા હતા.
આ ઉપરાંત પાકિસ્તાનમાં 4.9 અને અફઘાનિસ્તાનમાં 4.1 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.
તિબેટ દુનિયાના એવા વિસ્તારોમાં છે જ્યાં ભૂકંપનું જોખમ વધારે છે. અહીં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અથડાય છે. તેમની હલચલથી હિમાલય પર્વત બન્યો છે, પરંતુ એ જ કારણસર આ વિસ્તારમાં ભૂકંપ પણ આવે છે.
જાન્યુઆરી 2025માં તિબેટના તિંગરી કાઉન્ટીમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં તિબેટમાં લગભગ 400 લોકોનાં મોત થયાં હતાં અને પડોશી નેપાળમાં 13 લોકોનાં જીવ ગયા હતા. તેના આંચકા ઉત્તર ભારત સહિત દક્ષિણ એશિયાના ઘણા વિસ્તારોમાં અનુભવાયા હતા.
આ પહેલાં 2010માં ચીનના કિંઘાઈ પ્રાંતના યુશૂમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 2,698 લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 300 લોકો ગુમ થયા હતા.
આ વર્ષે 26 ઓગસ્ટે તિબેટમાં નેપાળ સરહદ નજીક પર્વત પરથી બરફ અને ખડકોનો મોટો ભાગ તૂટીને નદીમાં પડ્યો હતો, જેના કારણે નદીનો માર્ગ કામચલાઉ બંધ થઈ ગયો હતો. પાણીનો તેજ પ્રવાહ નેપાળ તરફ વધ્યો હતો, જેનાથી ગામો, રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચ્યું હતું. ચીનના સત્તાવાર આંકડા મુજબ તિબેટના ગ્યિરૉંગ વિસ્તારમાં 43 લોકોનાં મોત થયાં હતાં અને 519 લોકો લાપતા થયા હતા, જ્યારે નેપાળમાં પૂરથી 1,455 લોકોનાં મોત થયાં હતાં અને 5,285 લોકો લાપતા હોવાનું જણાવાયું હતું.
તિબેટમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે? જમીનની નીચે ભારતીય અને યુરેશિયન પ્લેટો છે. ભારતીય પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધીને યુરેશિયન પ્લેટને ધક્કો મારે છે. દબાણને કારણે નીચેના ખડકોમાં હલચલ થાય છે અને જ્યારે ખડકો અચાનક ખસી જાય છે ત્યારે જમીન ધ્રૂજે છે, જેને ભૂકંપ કહેવાય છે. તિબેટમાં જમીન નીચેની તિરાડોમાં દબાણ સતત એકઠું થતું રહે છે, તેથી અહીં ભૂકંપ વારંવાર આવે છે.