બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના જલસા બંગલા અને લોકપ્રિય પંજાબી ગાયક દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ સામે આવ્યો છે. આ ઘટનાએ મનોરંજન જગતની હસ્તીઓની સુરક્ષા અંગે ફરી ચિંતા ઊભી કરી છે. તપાસ એજન્સીઓ ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને તેનો હેતુ શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
દિલજીત દોસાંઝનો કોન્સર્ટ 27 નવેમ્બરે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાનારો છે. આ ઈ-મેઇલમાં તેને નિશાન બનાવવાની ધમકી પણ આપવામાં આવી છે. જેના કારણે આયોજકો અને ચાહકોમાં ચિંતા વધી છે. પોલીસ આ ધમકી પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે તેની તપાસ કરી રહી છે.
દિલજીત દોસાંઝનો ભારત પ્રવાસ હાલમાં ચર્ચામાં છે. 22 ઓક્ટોબરે સામે આવેલા અહેવાલો અનુસાર, દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 30 ઓક્ટોબરે યોજાનારા તેના કોન્સર્ટને સુરક્ષાનાં કારણોસર દિલ્હી પોલીસની મંજૂરી મળી ન હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈના મેયરની કચેરી ઉપરાંત અનેક શાળાઓને પણ ધમકી આપવામાં આવી છે. મુંબઈની કેટલીક જાણીતી શાળાઓને ધમકીભર્યા ઈ-મેઇલ મોકલવામાં આવ્યા છે. દાદર વિસ્તારની શાળાઓને સવારે આ ઈ-મેઇલ મળ્યા હતા. માહિતી મળતાં જ પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. તેમ છતાં, ધમકીભર્યા ઈ-મેઇલને કારણે શાળાઓમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. અમે આ સમાચારને વધુ અપડેટ કરી રહ્યાં છીએ.