ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના તીનબત્તી વિસ્તારમાં 9 નવેમ્બરે વહેલી સવારે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. ડાકોર-સેવાલિયા રોડ પર પાનનો ગલ્લો ચલાવતા દિવ્યાંગ યુવક સાથે એક અજાણ્યા શખ્સે મારામારી કરીને તેનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આરોપીને પકડવા માટે યુવકે પીછો કરતાં તે ઠાસરા બસ સ્ટેન્ડ પાછળ આવેલી ભૂલી તલાવડીમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, દિવ્યાંગ યુવક રોજિંદી દિનચર્યા મુજબ વહેલી સવારે આશરે 4:30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. સવારે આશરે 6 વાગ્યાના સુમારે એક અજાણ્યો શખ્સ તેના ગલ્લા પર આવ્યો અને અચાનક ઝપાઝપી તથા છૂટા હાથે મારામારી શરૂ કરી દીધી. બાદમાં તે યુવકનો રૂ.15,000નો મોબાઈલ ફોન છીનવી લઈને મોટા સૈયદવાડા પાછળ આવેલા રસ્તેથી ભાગવા લાગ્યો.
લૂંટનો ભોગ બનેલા યુવકે અને તીનબત્તી પાસે ચાની લારી ચલાવતા અન્ય એક વ્યક્તિએ આરોપીને પકડવા માટે પીછો કર્યો હતો. આ દરમિયાન ઠાસરા બસ સ્ટેન્ડ પાછળની ભૂલી તલાવડીમાં યુવક અચાનક પડી ગયો. તેને તરતા ન આવડતું હોવાથી તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો અને તેનું મોત નીપજ્યું.
બનાવની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી ઠાસરા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા અજાણ્યા શખ્સ દ્વારા ફોન લૂંટીને ભાગી જવાની અને યુવક પાછળ દોડતા તળાવમાં પડવાની ઘટના સ્પષ્ટ થઈ હતી.
આ મામલે મૃતકના પરિવારે ઠાસરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.