રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર કાર (GJ03DD0788) આજે (27 સપ્ટેમ્બર) વહેલી સવારે થરાદ નજીક ભારતમાલા હાઇવે પર અકસ્માતનો ભોગ બની છે. થરાદ-ડીસા હાઇવેના માલપુર પાસે અચાનક એક આખલો રસ્તા પર આવી જતાં કાર તેની સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ડિવાઈડર સાથે ટકરાઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં અમરેલીના દિવયજીત અને રાજકોટના યુવરાજસિંહનો સમાવેશ થાય છે.
થરાદ સરકારી હોસ્પિટલના ડૉ. કૃણાલ માલોસણીયાએ આપેલી માહિતી અનુસાર, સવારે 4:00થી 4:15 વાગ્યાની વચ્ચે થયેલા આ અકસ્માત બાદ 108ની ટીમ દ્વારા ત્રણેય યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન દિવયજીત અને યુવરાજસિંહને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે રાજકોટના હરદીપસિંહ નામના યુવકને ગંભીર હાલતમાં અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો.
અકસ્માતની ભયાનકતા એટલી હતી કે કારના ટુકડા થઈ ગયા હતા અને ડિવાઈડર પર કારનો અડધો ભાગ ચઢી ગયો હતો. કાર સાથે ટકરાયેલા આખલાનું પણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતે હાઇવે પર મુક્તપણે રખડતા પશુઓની સમસ્યા ફરી એકવાર સપાટી પર લાવી છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે અમૃતસર-જામનગર હાઇવે પર પશુઓ નહીં આવે તેમજ વાહનચાલકોની સુરક્ષા જળવાશે તેવી ખાતરી આપી હતી. જોકે, સુરક્ષાના અભાવે આ માર્ગ પર વારંવાર ગોઝારા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમણે NHAIની ગંભીર ખામીઓ દર્શાવતાં કહ્યું કે, વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓના નામે કંઈ જ મળતું નથી.