સત્ય. સાહસ. સંકલ્પ.

થરાદ નજીક ભારતમાલા હાઈવે પર ગોઝારો અકસ્માત: આખલા સાથે અથડાતાં કારના ચૂરેચૂરા, બેના મોત

થરાદ નજીક ભારતમાલા હાઈવે પર ગોઝારો અકસ્માત: આખલા સાથે અથડાતાં કારના ચૂરેચૂરા, બેના મોત

થરાદ નજીકથી પસાર થતા ભારતમાલા હાઈવે પર આજે (27 સપ્ટેમ્બર) વહેલી સવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર અચાનક આખલો આવી જતાં પુરપાટ ઝડપે જતી કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકો પૈકી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી અનુસાર, રાજકોટ તરફથી રાજસ્થાન તરફ જઈ રહેલી કાર થરાદ નજીકના ભારતમાલા રેસ્ટ એરિયા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક રોડ પર આખલો આવી ચડતાં કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો સ્થળ પર જ કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળી આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ ત્વરિત મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસે ઈજાગ્રસ્ત વ્યક્તિને વિલંબ વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યારે મૃતકોના મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક વિગતો અનુસાર, આ લોકો રાજકોટ તરફથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા.