સત્ય. સાહસ. સંકલ્પ.

થરાદના દુધવા ગામે રહેણાંક મકાનમાંથી 64.42 લાખનો ગેરકાયદે ફટાકડો ઝડપાયો, એક શખ્સ સામે ગુનો

થરાદના દુધવા ગામે રહેણાંક મકાનમાંથી 64.42 લાખનો ગેરકાયદે ફટાકડો ઝડપાયો, એક શખ્સ સામે ગુનો

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના દુધવા ગામેથી પોલીસે 64.42 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે SOG પોલીસે ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.

પોલીસ પ્રમાણે, દુધવા ગામના રહીશ ઈશ્વર જેથાભાઈ પટેલે પોતાના કબજા હેઠળના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં વેચાણના હેતુથી ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. તેમની પાસે ફટાકડા રાખવા કે વેચવા માટે કોઈપણ પ્રકારનું લાયસન્સ, પરવાનો કે સંબંધિત અધિકારીનું પ્રમાણપત્ર હતું નહીં.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મકાનમાં માનવજીવન જોખમાય તે રીતે, ફાયર સેફ્ટીના એક પણ સાધન વગર બેદરકારીપૂર્વક સ્ફોટક પદાર્થો ભરી રાખવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ 112 બ્રાન્ડના કુલ 64,42,821 રૂપિયાની કિંમતનો ફટાકડાનો જથ્થો મુદ્દામાલ તરીકે જપ્ત કર્યો છે.

આ કાર્યવાહી બાદ થરાદ પોલીસ સ્ટેશનમાં આરોપી ઈશ્વરભાઈ જેથાભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 287 અને 288 તથા વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, 1884ની કલમ 9(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ થરાદ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરવા માટે સંબંધિત અધિકારી પાસેથી લાયસન્સ લેવું ફરજિયાત છે. લાયસન્સ વગરનો સંગ્રહ ગેરકાયદે ગણાય છે અને તેનાથી આગ લાગવાની કે અકસ્માતની ગંભીર અસર થઈ શકે છે.