થરાદના ખોડા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર ત્રણ આરોપીઓને થરાદ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. દિવાળી તહેવારને લઈને થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની આંતરરાજ્ય ચેક પોસ્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સાંચોર (રાજસ્થાન) તરફથી આવતી સ્કોર્પિયો કાર શંકાસ્પદ જણાતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો.
પરંતુ કારચાલકે કાર ઊભી રાખવાને બદલે પૂર ઝડપે ચલાવીને વાહન ચેકિંગ માટે રાખેલા બેરીકેટ તોડી નાખ્યા હતા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાના ઈરાદે તેમની ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કારચાલક સહિતના શખસો કારમાંથી નીચે ઉતરીને 'આજે તો તમે બચી ગયા, તમારા નસીબ સારા છે અને તમે ચેક પોસ્ટ ઉપર ગાડીઓ કેમ ચેક કરો છો' તેમ કહી અપશબ્દો બોલ્યા હતા.
સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને ત્રણ શખસોની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં હિરેન ઉર્ફે હની સગથાભાઈ રાજપુત (રહે. પીલુડા, થરાદ), કિરણ બળદેવભાઈ જોષી (રહે. વામી, થરાદ) અને પ્રિન્સ પ્રકાશભાઈ જોષી (રહે. વામી, થરાદ)નો સમાવેશ થાય છે. પોલીસ માહિતી મુજબ, આરોપી હિરેન ઉર્ફે હની વિરુદ્ધ અગાઉ થરાદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8 સી, 21(બી), 22(બી) અને 26 મુજબનો ગુનો નોંધાયેલો છે.