ગુજરાતની બે નગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. થરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ, બંને પદ મહિલાઓને સોંપવામાં આવ્યાં છે. જ્યારે દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ પર સર્વાનુમતે વરણી થઈ છે.
થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનીબેન ઠક્કર અને ઉપપ્રમુખ તરીકે જશીબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. આમ, નગરપાલિકાના બંને મુખ્ય પદો પર મહિલાઓને જવાબદારી મળી છે.
ઓખા નગરપાલિકામાં પ્રમુખ તરીકે હાડાભા બી. માણેક અને ઉપપ્રમુખ તરીકે અલાનાહસન થેમની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન ગોહિલ અને શાસક પક્ષના નેતા તરીકે નિહાર મોદીની પસંદગી થઈ છે. દંડક તરીકે ભવ્ય બિપિન ચાવડાની પણ સર્વાનુમતે વરણી થઈ છે.
ઓખા ખાતે જિલ્લા ભાજપ અને ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં હોદ્દેદારોની વરણી માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વરણી સાથે બંને નગરપાલિકાઓમાં સ્થાનિક શહેરી વહીવટની નવી ટીમ રચાઈ છે.
બીજી તરફ, ગાંધીનગર મહાનગરપાલિકાને આજે નવા મેયર મળવાના છે. મનપાની ચૂંટણી બાદ આજે પ્રથમ સામાન્ય સભા મળવા જઈ રહી છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી થશે. આ સભા ઈન્ચાર્જ કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાશે.
ગાંધીનગર મનપાનું મેયર પદ આગામી અઢી વર્ષ માટે અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત રાખવામાં આવ્યું છે. આ પદ માટે ઠાકોર, ચૌધરી, દેસાઈ અને બારોટ સમાજ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. રાજકીય ચર્ચા મુજબ મેયર પદ માટે ઠાકોર સમાજના દાવેદારનું નામ સૌથી વધુ ચર્ચામાં છે.
ચર્ચા એવી છે કે જો મેયર પદ ઠાકોર સમાજને મળે તો મહિલા ડેપ્યુટી મેયર તરીકે બ્રહ્મ સમાજને સ્થાન મળી શકે. આ સમીકરણ મુજબ ફાળવણી થાય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર સમાજને તક મળી શકે છે. 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પસંદગીમાં જ્ઞાતિગત અને રાજકીય સમીકરણો મહત્ત્વના બની શકે છે. અંતિમ નિર્ણય સામાન્ય સભામાં જ સ્પષ્ટ થશે.