સત્ય. સાહસ. સંકલ્પ.

થાણેમાં શિવસેના (UBT) નેતા પ્રદીપ પુર્ણેકરની ગોળી મારીને હત્યા, પોલીસે નાકાબંધી કરી

થાણેમાં શિવસેના (UBT) નેતા પ્રદીપ પુર્ણેકરની ગોળી મારીને હત્યા, પોલીસે નાકાબંધી કરી

મહારાષ્ટ્રના થાણે શહેરમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા પ્રદીપ પુર્ણેકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.

પોલીસ મુજબ, ઘટના થાણેના મનોરમાનગર વિસ્તારમાં બની હતી. પ્રદીપ પુર્ણેકર, જેઓ શિવસેના (UBT)ના માનપાડા વિભાગ પ્રમુખ છે, તેઓ તેમના કાર્યાલય પાસે ઊભા હતા. તે સમયે હેલ્મેટ અને માસ્ક પહેરીને બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે ગોળીઓ પુર્ણેકરને વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ થાણે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હેલ્મેટ અને માસ્ક પહેરેલા હુમલાખોરો કોણ હતા, કેટલા હતા અને કયા પ્રકારના હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે અને આરોપીઓને પકડવા માટે ચારેકોર નાકાબંધી કરી છે. હત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસ રાજકીય વૈમનસ્ય કે અંગત અદાવત સહિતના વિવિધ કોણો પરથી તપાસ કરી રહી છે.