સત્ય. સાહસ. સંકલ્પ.

થાણે સ્ટેશન દેશનું સૌથી વ્યસ્ત, વર્ષે 9.3 કરોડ પ્રવાસી

થાણે સ્ટેશન દેશનું સૌથી વ્યસ્ત, વર્ષે 9.3 કરોડ પ્રવાસી

ભારતીય રેલવેએ તેના ટોચના 100 સૌથી વ્યસ્ત સ્ટેશનોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મુંબઈનું થાણે સ્ટેશન 9.3 કરોડ પ્રવાસીઓ સાથે દેશનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન બન્યું છે. કલ્યાણ જંકશન 8.3 કરોડ પ્રવાસીઓ સાથે બીજા સ્થાને છે. આ ઉપરાંત, સીએસટી, પનવેલ અને દાદર પણ ટોચના 10 સ્ટેશનોમાં સ્થાન ધરાવે છે.

થાણે સ્ટેશન પરથી રોજની લોકલ અને બહારગામની મળીને એક હજારથી વધુ ટ્રેનો પસાર થાય છે. તેનો દૈનિક ફૂટ ફોલ સાડા છ લાખ પ્રવાસીઓનો હોવાનું મનાય છે.

થાણે રેલવે સ્ટેશન વૈશ્વિક અને ભારતીય રેલવે ઇતિહાસમાં પ્રખ્યાત છે. આ સ્ટેશનની સ્થાપના અને ઉદ્ઘાટન 16 એપ્રિલ, 1853ના રોજ થયું હતું. તે ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન માટે ડેસ્ટિનેશન ટર્મિનસ તરીકે સેવા આપતું હતું. સુલતાન, સિંધ અને સાહિબ નામના ત્રણ સ્ટીમ લોકોમોટિવ દ્વારા દોડેલી ઐતિહાસિક ટ્રેન બોરી બંદરથી (હાલનું સીએસટી) રવાના થઈ અને 34 કિ.મી.ના સેક્શનમાં 400 લોકો સાથે થાણે પહોંચી હતી. આ ટ્રેનની સફરે એશિયામાં રેલવે યુગની શરૂઆત કરી હતી.

દાયકાઓ સુધી થાણે સ્ટેશન મુંબઈ બહાર અર્ધ-ગ્રામીણ પરિવહન મથક તરીકે કાર્યરત હતું. જોકે ઝડપી ઔદ્યોગિકીકરણ અને ત્યારબાદ રિયલ એસ્ટેટમાં ભારે તેજીના કારણે થાણે શહેર એક મુખ્ય રહેણાંક અને કમર્શિયલ શહેરમાં ફેરવાયું. રેલવે સ્ટેશન સેન્ટ્રલ અને ટ્રાન્સ-હાર્બર લાઇનોને જોડનારા વિશાળ મલ્ટી-લાઇન સ્ટેશનમાં રૂપાંતર થયું હતું. હવે આ સ્ટેશન પરની પ્રચંડ ભીડનું વિભાજન કરવા રેલવે દ્વારા થાણે અને મુલુંડ વચ્ચે એક નવું સ્ટેશન વિકસાવાઈ રહ્યું છે.