સત્ય. સાહસ. સંકલ્પ.

થલતેજમાં ડમ્પરની અડફેટે 12 વર્ષની બાળકીનું મોત

થલતેજમાં ડમ્પરની અડફેટે 12 વર્ષની બાળકીનું મોત

અમદાવાદના થલતેજ ચાર રસ્તા પર બપોરે બનેલી અકસ્માતની ઘટનામાં 12 વર્ષની બાળકીનું મોત થયું છે. માતા સાથે એક્ટિવા પર જઈ રહેલી બાળકીને ડમ્પરે કચરી દીધી હતી.

મળતી માહિતી મુજબ, બપોરે અંદાજે 1:30 વાગ્યે માતા એક્ટિવા ચલાવી રહ્યાં હતાં અને પાછળ તેમની 12 વર્ષની દીકરી બેઠી હતી. થલતેજ ચાર રસ્તા નજીક ડમ્પરની અડફેટે આવતાં દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેને પગલે તેનું મૃત્યુ થયું હતું. મૃતક બાળકીનું નામ આરાધ્યા દીપકભાઈ બારોટ હોવાનું જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં SG-1 ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, ડમ્પર પરમિટ સાથે ચાલતું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ કઈ શરતો સાથે તે રસ્તા પર હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં ભારે વાહનોની અવરજવર અને તેમની ગતિ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. થલતેજ વિસ્તાર મેટ્રો કનેક્ટિવિટી સહિતના કારણે સતત વાહનવ્યવહારથી ધમધમતો રહે છે. પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.