વાવ-થરાદ તાલુકાના દિયોદર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સંયુક્ત ઉપક્રમે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજ સાથે જોડાયેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા.
કાર્યક્રમમાં ગાંધીનગર દક્ષિણ બેઠકના અલ્પેશ ઠાકોર, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ગાંધીનગરના મેયર રૂપસિંહજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્નેહમિલન દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો ગમે તે પ્રયાસો કરે તોપણ સમાજની એકતા મજબૂત રાખવાની અપીલ કરી હતી. બીજી તરફ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સમાજ કાયમી એક થઈને રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, સમાજ જ્યારે એક મંચ પર આવે છે ત્યારે તેના પરિણામો મળતા હોય છે. તેમણે ઠાકોર સમાજના બંધારણ બાદ આઠ સમાજોએ બંધારણ કર્યાની વાત કરી હતી. તેમણે તમામ રાજકીય પક્ષો સાથે જોડાયેલા સમાજના અગ્રણીઓને સાથે બેસીને સમાજને આગળ લાવવા માટે મહેનત કરવાની વાત કરી હતી.