થાઈલેન્ડ દુનિયાના મુખ્ય પર્યટન સ્થળોમાંથી એક છે. દુનિયાભરના પ્રવાસીઓ અહીંના સુંદર સમુદ્ર કિનારાઓ જોવા આવે છે. પર્યટન એ દેશની આવકનો મહત્વનો સ્ત્રોત છે. પરંતુ તાજેતરમાં એક પુસ્તકે થાઈલેન્ડમાં 'ભાડે પત્ની' (રેન્ટલ વાઈફ)ની પ્રથા અંગે નવી ચર્ચા શરૂ કરી છે.
આ પુસ્તક 'થાઈ ટેબૂ: ધ રાઈઝ ઓફ વાઈફ રેન્ટલ ઇન મોડર્ન સોસાયટી' લેખિકા લા વેરિટે ઈમેન્યુઅલ દ્વારા લખાયું છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે થાઈલેન્ડમાં પત્નીને ભાડે રાખવાની પ્રથા ઝડપથી એક બિઝનેસ તરીકે વધી રહી છે અને તે આવકનો સ્ત્રોત બની છે. આ પ્રથા 'વાઈફ ઓન હાયર' અથવા 'બ્લેક પર્લ' તરીકે પણ ઓળખાય છે.
પુસ્તક મુજબ, આ કોઈ ઔપચારિક લગ્ન નથી, પરંતુ એક અસ્થાયી કરાર છે. તે કેટલાક દિવસોથી લઈને કેટલાક મહિનાઓ સુધીનો હોઈ શકે છે. ગરીબ પૃષ્ઠભૂમિની મહિલાઓ પૈસા કમાવવા માટે વિદેશી પ્રવાસીઓની પત્ની બનીને રહે છે. આ મહિલાઓ ખાસ કરીને બાર કે નાઈટ ક્લબમાં કામ કરે છે અને સારા ગ્રાહક મળવા પર રેન્ટલ વાઈફ બની જાય છે.
ભાડાની રકમ મહિલાની ઉંમર, સુંદરતા, શિક્ષણ અને સમય અનુસાર નક્કી કરવામાં આવે છે. પુસ્તક અનુસાર, આ રકમ 1,600 ડોલરથી લઈને 1,16,000 ડોલર સુધી હોઈ શકે છે. આ પ્રથાને લઈને થાઈલેન્ડમાં કોઈ ચોક્કસ કાયદો બન્યો નથી.
થાઈલેન્ડમાં આ પ્રથા ઝડપથી વધવાના ઘણા કારણો છે. શહેરીકરણ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોમાં એકલતા વધી રહી છે. લોકો સ્થાયી સંબંધની જગ્યાએ અસ્થાયી સંબંધ બનાવવાનું પસંદ કરે છે. આ પ્રકારની સેવા જાપાન અને કોરિયામાં પણ પહેલેથી છે.
થાઈલેન્ડની સરકાર પણ માને છે કે રેન્ટલ વાઈફની પ્રથા દેશમાં અસ્તિત્વમાં છે અને પ્રવાસીઓના કારણે તે બિઝનેસનું સ્વરૂપ લઈ ચૂકી છે. સરકારના મતે, આ પ્રથાને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવો જરૂરી છે.