અમેરિકાના ઉટાહ રાજ્યમાંથી સામે આવેલો ટેસ્લા કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારને જોઈને ટેસ્લા અચાનક રસ્તાની બાજુ તરફ જતી જોવા મળે છે. થોડી જ સેકન્ડમાં પાછળથી આવતી કાર અન્ય વાહનને જોરદાર ટક્કર મારે છે. આ ઘટનાએ ટેસ્લાની ડ્રાઇવર-અસિસ્ટન્સ ટેક્નોલોજીને ફરી ચર્ચામાં લાવી દીધી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ટેસ્લા કાર સામાન્ય રીતે રસ્તા પર આગળ વધી રહી હતી. એ દરમિયાન પાછળથી સફેદ રંગની એક સેડાન કાર ખૂબ જ ઝડપે આવતી દેખાય છે. આ પરિસ્થિતિમાં ટેસ્લા અચાનક રસ્તાની કિનારી તરફ ખસી જાય છે. થોડી જ ક્ષણોમાં સફેદ કાર ટેસ્લાને ડાબી બાજુથી ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે. ત્યારબાદ એક ચોકડી પાસે અન્ય વાહન સાથે તેની જોરદાર ટક્કર થાય છે.
આ વીડિયો સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેસ્લાની ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) ટેક્નોલોજીએ પાછળથી આવી રહેલા સંભવિત જોખમને ઓળખી લીધું હતું અને સમયસર કારની દિશા બદલી હતી. જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
આ ઘટનાના ત્રણ અલગ-અલગ વીડિયો કેથલીન એન્ડરસન નામની મહિલાએ પોતાના X એકાઉન્ટ @RepubliKate પર શેર કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે ટેસ્લા કાર તેના ભાઈના એક મિત્રની હતી. તેના જણાવ્યા પ્રમાણે, ઘટના બની ત્યારે કારમાં ડ્રાઇવર-અસિસ્ટન્સ સિસ્ટમ ચાલુ હતી. વીડિયો વાયરલ થયા બાદ ટેસ્લાની ટેક્નોલોજીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે પાછળથી આવી રહેલી કારની સ્પીડ અને જોખમને ધ્યાનમાં રાખીને ટેસ્લાએ સમયસર રસ્તો બદલ્યો હતો.
આ વીડિયો એક કોરિયન સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટેસ્લાએ એક્ઝિટ રેમ્પ પાસે પોતાની સ્પીડ ઓછી કરી હતી અને રસ્તાની કિનારી તરફ જવાનું શરૂ કર્યું હતું. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ ટેસ્લાની ડ્રાઇવર-અસિસ્ટન્સ સિસ્ટમની પ્રશંસા કરી. કેટલાક યુઝર્સે કહ્યું કે પાછળથી આટલી સ્પીડમાં આવતી કારને ઓળખીને તરત નિર્ણય લેવો સામાન્ય ડ્રાઇવર માટે પણ મુશ્કેલ બની શકે છે. એક યુઝરે તો આ ઘટનાને કારની જાહેરાતમાં બતાવવા લાયક ગણાવી હતી. જ્યારે અન્ય એક યુઝરે ટેસ્લાની સુરક્ષા ટેક્નોલોજીના વખાણ કર્યા હતા.
આ ચર્ચા દરમિયાન એક વ્યક્તિએ પોતાનો અનુભવ પણ જણાવ્યો હતો. તેણે કહ્યું કે પોર્ટલેન્ડના હાઇવે પર તેની સાથે પણ આવી જ ઘટના બની હતી. તેની કાર અચાનક રસ્તાની વચ્ચેથી ખસીને કિનારી તરફ જવા લાગી હતી. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ સેલ્ફ-ડ્રાઇવિંગ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાઈ છે. પરંતુ બાદમાં તેને સમજાયું કે પાછળથી આવતું વાહન જોખમ ઊભું કરી શકે તેમ હતું. હાલમાં વાયરલ વીડિયોને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. જોકે, ટેસ્લાની AIએ ખરેખર પાછળથી આવતું જોખમ ઓળખીને નિર્ણય લીધો હતો કે કારની હિલચાલ પાછળ બીજું કોઈ કારણ હતું, તેની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.