તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. BCCIની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલી યુવા ક્રિકેટર નંદિનીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. નંદિની મૂળ વિકારાબાદ જિલ્લાના યલાલ મંડળના સંગયાપલ્લી ગામની વતની હતી અને હાલ મધુ કોલોનીમાં તેની નાનીના ઘરે રહીને અભ્યાસ તથા ક્રિકેટની તાલીમ મેળવતી હતી.
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે અનિલ નામનો યુવક છેલ્લા કેટલાક દિવસોથી પ્રેમ સંબંધના નામે નંદિનીનો પીછો કરી રહ્યો હતો અને તેને સતત હેરાન કરતો હતો. કૃષ્ણા નામના અન્ય યુવકે આ કામમાં તેને સાથ આપ્યો હોવાનું પણ પરિવારનું કહેવું છે. આ ત્રાસથી કંટાળીને નંદિનીએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરી પરિવારે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનો અને સગા-સંબંધીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે નંદિનીએ પંખાના હુક સાથે ચુન્ની બાંધીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદ મોતનો ગુનો નોંધીને શબને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપ્યું છે. સર્કલ ઇન્સ્પેક્ટર રઘુએ પુષ્ટિ કરી છે કે મૃતકનો મોબાઈલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની કડીઓ ચકાસીને દોષિતો સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.