તેલંગાણામાં વિપક્ષી પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ શાસક કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડી પર ગંભીર આરોપ લગાવ્યા છે. BRS નેતાઓનું કહેવું છે કે ઇબ્રાહિમપટ્ટનમ બેઠકના ધારાસભ્યએ ચાલતી સરકારી બસમાં એક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કર્યું અને તેને ખોટી રીતે સ્પર્શ કર્યો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ધારાસભ્ય બસમાં બે વિદ્યાર્થિનીઓ સાથે વાત કરતા જોવા મળે છે. તેઓ કોંગ્રેસ સરકારની મહિલાઓ માટેની મફત બસ યોજના ‘મહાલક્ષ્મી’ વિશે ચર્ચા કરી રહ્યા હતા. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે તેઓ એક વર્ષથી આ યોજનાનો લાભ લઈ રહી છે અને તેનાથી તેમને વાર્ષિક લગભગ 45,000 રૂપિયાની બચત થાય છે. વાતચીત દરમિયાન ધારાસભ્યએ વિદ્યાર્થિનીનો હાથ પકડ્યો હોવાનું વીડિયોમાં દેખાય છે, જેને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે.
વીડિયો સામે આવ્યા બાદ BRS નેતા આર. એસ. પ્રવીણ કુમારે આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો કે ધારાસભ્યને વિદ્યાર્થિનીનો હાથ પકડવાની કે અયોગ્ય સ્પર્શ કરવાની શું જરૂર હતી? તેમણે કહ્યું કે આ મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવા સમાન ગુનો છે. પ્રવીણ કુમારે રાજ્ય મહિલા આયોગ પાસે ધારાસભ્યને સમન્સ પાઠવવાની અને કંડક્ટરની ફરિયાદના આધારે કાયદેસર ગુનો નોંધવાની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પૂછ્યું કે સુરક્ષા માટેની SHE ટીમો ક્યાં છે?
બીજી તરફ, ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે 6 ઓક્ટોબરે કલેક્ટર કચેરીની બહાર યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કોઈ અયોગ્ય વર્તન કર્યું નથી. આ મામલે રાજકીય વાતાવરણ ગરમ બન્યું છે.