તેલંગાણામાં કોંગ્રેસના આંતરિક વિવાદ વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે મંત્રી કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં રાજ્યપાલને સત્તાવાર ભલામણ મોકલવામાં આવી છે. મુખ્યમંત્રીનો આ નિર્ણય તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે.
શિસ્ત સમિતિએ જણાવ્યું હતું કે, મંત્રી સુરેખાની પુત્રી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે તેમની સામે પગલાં લેવા જોઈએ. સમિતિએ સુરેખાને કેબિનેટમાંથી હટાવવાની સાથે ચિન્ના રેડ્ડીને પણ પ્લાનિંગ બોર્ડના પદ પરથી હટાવવાની ભલામણ કરી હતી, કારણ કે તેમના પર પણ પક્ષની શિસ્તનો ભંગ કરવાનો આરોપ છે. ચિન્ના રેડ્ડીની જગ્યાએ ગડવાલ વિજયાલક્ષ્મીને તેલંગાણા પ્લાનિંગ બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સુરેખાની પુત્રી કોંડા સુષ્મિતા પટેલે ઓગસ્ટ મહિનામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને તેમના પરિવાર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તે સમયે મંત્રી સુરેખાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમની પુત્રીનો આ વ્યક્તિગત અભિપ્રાય છે અને તેના માટે તેઓ જવાબદાર નથી. જોકે, કોંગ્રેસ પક્ષની અંદર, ખાસ કરીને મુખ્યમંત્રી જૂથના ધારાસભ્યોએ સુરેખા સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની માંગ કરી હતી.
રેવંત રેડ્ડીએ દિલ્હી પ્રવાસ દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે. સી. વેણુગોપાલ સમક્ષ આ મુદ્દો ઉઠાવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. બીજી તરફ ભારે દબાણ છતાં સુરેખાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો અને પક્ષના નેતૃત્વને કાર્યવાહી કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ તેમને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.