ભારતીય વાયુસેનાના સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ કાર્યક્રમને નવી મજબૂતી મળી છે. અમેરિકન કંપની જીઈ એરોસ્પેસે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને વધુ ત્રણ F404-IN20 એન્જિન સોંપ્યાં છે. આ સાથે HALને અત્યાર સુધીમાં કુલ 10 એન્જિન મળ્યાં છે.
આ એન્જિન ખાસ કરીને તેજસ Mk-1A ફાઈટર જેટ માટે છે. વર્ષ 2021માં HAL અને જીઈ એરોસ્પેસ વચ્ચે 99 એન્જિનનો કરાર થયો હતો, જેની કિંમત આશરે 5,375 કરોડ રૂપિયા છે. આ કરાર બાદ કંપનીએ પોતાની બંધ પડેલી F404-IN20 ઉત્પાદન લાઇન ફરી શરૂ કરી હતી, કારણ કે 2016માં 65 એન્જિન પૂરાં પાડ્યા બાદ તે બંધ કરી દેવામાં આવી હતી.
જીઈ એરોસ્પેસે જણાવ્યું છે કે તે ભારતના સ્વદેશી ફાઈટર જેટને શક્તિ આપવા માટે HAL અને ભારતીય વાયુસેના સાથે ભાગીદારી કરીને ગર્વ અનુભવે છે. આ એન્જિન પોતાની શ્રેણીમાં સૌથી વધુ થ્રસ્ટ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે અને તેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે.
ભારત અને જીઈ એરોસ્પેસ વચ્ચેનો સંબંધ 1980ના દાયકાથી ચાલી આવે છે. 2004માં પ્રથમ વખત તેજસ માટે F404-IN20 એન્જિનની પસંદગી થઈ હતી. કંપનીએ આ ડિલિવરીને HAL સાથેના 40 વર્ષના સફળ સંબંધોનો પુરાવો ગણાવી છે.