સત્ય. સાહસ. સંકલ્પ.

ઊંઘમાં દાંત પીસવાની આદત? જાણો શરીર શું સંકેત આપે છે

ઊંઘમાં દાંત પીસવાની આદત? જાણો શરીર શું સંકેત આપે છે

ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેઓ સૂતી વખતે દાંત પીસે છે. ક્યારેક પરિવારના સભ્યો રાત્રે દાંત કચકચાવવાનો અવાજ સાંભળે ત્યારે ખ્યાલ આવે છે. આ સ્થિતિને બ્રુક્સિઝમ કહેવામાં આવે છે. તે ઊંઘ દરમિયાન તેમજ જાગતા સમયે પણ થઈ શકે છે.

આ સમસ્યા બાળકો અને મોટા લોકો બંનેમાં જોવા મળે છે. હળવું દાંત પીસવું ગંભીર ચિંતાનો વિષય ન હોઈ શકે, પણ આ આદત વારંવાર થાય તો દાંત અને જડબાના સ્વાસ્થ્ય પર અસર પડે છે. જડબામાં દુખાવો કે ખેંચાણ, સવારે માથું દુખવું, દાંતમાં ઠંડા-ગરમની સંવેદનશીલતા અને દાંત ઘસાઈ જવા જેવા સંકેત બ્રુક્સિઝમ તરફ ઈશારો કરે છે.

બ્રુક્સિઝમ પાછળ એક જ કારણ જવાબદાર નથી હોતું. માનસિક તણાવ અને ચિંતા આ સમસ્યા વધારી શકે છે. નસકોરાં આવવા અથવા સ્લીપ એપનિયા જેવી ઊંઘ સંબંધિત તકલીફો ધરાવતા લોકોમાં પણ દાંત પીસવાની સમસ્યા જોવા મળે છે. વધારે કેફીનનું સેવન અને ધૂમ્રપાન પણ કેટલાક લોકોમાં જોખમ વધારી શકે છે. કેટલીક દવાઓની અસરથી પણ બ્રુક્સિઝમ થઈ શકે છે. તેથી કોઈ દવા પોતાની રીતે બંધ કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ઊંઘમાં દાંત પીસતા લોકોને ઘણી વખત તેની જાણ હોતી નથી. રાત્રે પરિવારના સભ્યોને દાંત કચકચાવવાનો અવાજ સંભળાય છે. સવારે જાગ્યા પછી જડબામાં દુખાવો, સ્નાયુઓમાં થાક, માથું દુખવું અથવા દાંતમાં સંવેદનશીલતા અનુભવાય તો તે બ્રુક્સિઝમના સંકેત હોઈ શકે છે. લાંબા સમય સુધી દાંત વધુ પડતા પીસવામાં આવે તો દાંત ઘસાઈ જવા, તૂટવા કે તેમાં તિરાડ પડવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

જો ઊંઘમાં દાંત કચકચાવવાની આદત હોય, દાંત ઘસાઈ જવા લાગે, દાંતમાં ઠંડા-ગરમની સંવેદનશીલતા રહે અથવા જડબા તથા ચહેરામાં દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડેન્ટિસ્ટ દાંતની સ્થિતિ તપાસીને દાંત પીસવાથી થયેલી અસરનું મૂલ્યાંકન કરી શકે છે. જરૂર જણાય તો જડબાના સ્નાયુઓની પણ તપાસ કરવામાં આવે છે. ઊંઘ સંબંધિત અન્ય સમસ્યાઓની શક્યતા હોય તો સ્લીપ ટેસ્ટ કરાવવાની સલાહ પણ મળી શકે છે.

બ્રુક્સિઝમની સારવાર વ્યક્તિની સ્થિતિ અને સમસ્યાની ગંભીરતા પ્રમાણે અલગ હોઈ શકે છે. હળવી સમસ્યા હોય તો દરેક વખતે ખાસ સારવારની જરૂર પડે એવું જરૂરી નથી. નિયમિત અને પૂરતી ઊંઘ લેવી, રોજ ઊંઘવાનો તથા જાગવાનો સમય શક્ય તેટલો નિશ્ચિત રાખવો અને તણાવ ઘટાડવાના પ્રયાસો કરવાથી ફાયદો થઈ શકે છે.

દાંતને વધુ નુકસાનથી બચાવવા માટે દંત ચિકિત્સક રાત્રે માઉથગાર્ડનો ઉપયોગ કરવાની સલાહ આપી શકે છે. ઊંઘ દરમિયાન વારંવાર દાંત પીસવાની સમસ્યા થતી હોય તો તેને સામાન્ય આદત માનીને અવગણવી નહીં. ખાસ કરીને દાંતમાં દુખાવો, સંવેદનશીલતા, ઘસારો અથવા જડબામાં સતત તકલીફ રહેતી હોય તો યોગ્ય તપાસ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(ડિસ્ક્લેમર: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ કરતા પહેલાં તમારા તબીબ અથવા તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે.)