સત્ય. સાહસ. સંકલ્પ.

ટીમ ઈન્ડિયા એક જ દિવસે બે મેચ રમશે? 28 વર્ષ પછી ફરી સંયોગ

ટીમ ઈન્ડિયા એક જ દિવસે બે મેચ રમશે? 28 વર્ષ પછી ફરી સંયોગ

ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં 28 વર્ષ પછી એક અનોખો સંયોગ બની શકે છે. આવનારા 3 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયાને એક જ દિવસે બે અલગ-અલગ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની શક્યતા છે. એશિયન ગેમ્સ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝના સમયપત્રકને કારણે આ સ્થિતિ ઉભી થઈ રહી છે.

3 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODI યોજાશે, જે ન્યૂ ચંદીગઢમાં રમાશે. તે જ દિવસે ભારતીય ટીમનો બીજો વર્ગ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં ઉતરી શકે છે. બંને મેચો અલગ-અલગ સ્થળે થવાની હોવાથી ટીમ ઈન્ડિયાને બે અલગ ટીમો ઉતારવી પડશે.

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. 28 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ Aમાં બીજા ક્રમે રહેલી ટીમ સામે મુકાબલો થશે. આ પછી 1 ઓક્ટોબરે સેમિફાઈનલ અને 3 ઓક્ટોબરે ફાઈનલ મેચ રમાશે. આ ટીમમાં શ્રેયસ અય્યર કેપ્ટન હશે. અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ થયો છે.

બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીનો સમયપત્રક પણ આ જ તારીખે છે. આ ટીમમાં શુભમન ગિલ કેપ્ટન હોવાની શક્યતા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ અને કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓ આ મેચમાં રમી શકે છે.

નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે આવું થશે. 1998માં પણ આવો સંયોગ બન્યો હતો. 12 સપ્ટેમ્બર 1998ના રોજ સચિન તેંડુલકર અને અનિલ કુંબલે જેવા ખેલાડીઓ કુઆલાલંપુરમાં કોમનવેલ્થ ગેમ્સમાં કેનેડા સામે રમ્યા હતા. તે જ દિવસે તોરોન્ટોમાં પાકિસ્તાન સામે સહારા ફ્રેન્ડશીપ કપની મેચ રમાઈ હતી, જેમાં અઝહરુદ્દીન, ગાંગુલી, દ્રવિડ અને સિદ્ધુ જેવા ખેલાડીઓ ઉતર્યા હતા. હવે ફરી એવો જ સંયોગ બનવાની તૈયારી છે.