સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ પહેલાં ટીમ ઇન્ડિયાને યોગ્ય સાઇઝની જર્સી મળવામાં વિલંબ

એશિયન ગેમ્સ પહેલાં ટીમ ઇન્ડિયાને યોગ્ય સાઇઝની જર્સી મળવામાં વિલંબ

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ પહેલાં યોગ્ય સાઇઝની કિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. ટીમે રવિવારે વહેલી સવારે નવી દિલ્હીથી જાપાન માટે રવાના થવાનું છે. ઘણા ખેલાડીઓને તેમની ફિટિંગની જર્સી મળી નથી. ખેલાડીઓને બે અલગ-અલગ જર્સીની જરૂર છે — એક જાપાન સામેની ફ્રેન્ડલી મેચ માટે અને બીજી એશિયન ગેમ્સ માટે. આ કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે.

આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી PTIને કહ્યું, 'મોટાભાગની મુશ્કેલીઓ દૂર કરી દેવામાં આવી છે. કેટલીક કિટ બાકી છે, જે ટૂંક સમયમાં ટીમ સુધી પહોંચાડી દેવામાં આવશે.'

શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની શ્રેણી 3-0થી જીતી છે.

ભારત અને જાપાન વચ્ચેના સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 22 સપ્ટેમ્બરે જાપાનના સાનો શહેરમાં ટી-20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચમાં ભારતીય ટીમની કપ્તાની શ્રેયસ અય્યર કરશે અને ટીમ પોતાની સામાન્ય કિટ પહેરશે. આ મેચ 'સ્પોર્ટ 75' પહેલ હેઠળ યોજાશે, જે જાપાન અને ભારત વચ્ચે રમતગમત ક્ષેત્રે સહયોગ અને લોકો વચ્ચેના સંપર્કને વધારવા માટે શરૂ કરવામાં આવી છે.

નાગોયામાં અન્ય ભારતીય ખેલાડીઓને રહેવાની જગ્યા મળવામાં થયેલા વિલંબને ધ્યાનમાં રાખીને BCCIએ ક્રિકેટ સ્પર્ધા માટે પોતે હોટેલની વ્યવસ્થા કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ IOA તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા આવાસમાં રહી રહી છે. એક સૂત્રે કહ્યું, 'મહિલા ટીમના આવાસમાં ક્યારેય કોઈ સમસ્યા નહોતી. પુરુષ ટીમ માટે આયોજકોએ જે રૂમ આપ્યા હતા, તેમાં કિટ બેગ રાખવાની પણ જગ્યા નહોતી.'

સૂત્રે જણાવ્યું કે ત્યાં મોટી હોટેલો વધુ નથી. તેમ છતાં BCCIએ જાપાન જવા રવાના થવાના થોડા સમય પહેલાં જ પોતાની વ્યવસ્થા કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, પાછલી એશિયન ગેમ્સમાં ટી-20 ઇન્ટરનેશનલ રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.