સત્ય. સાહસ. સંકલ્પ.

હૈદરાબાદમાં બનશે દેશનું સૌથી મોટું AI ડેટા સેન્ટર, TCSનું ₹70,000 કરોડનું રોકાણ

હૈદરાબાદમાં બનશે દેશનું સૌથી મોટું AI ડેટા સેન્ટર, TCSનું ₹70,000 કરોડનું રોકાણ

હૈદરાબાદમાં દેશનું સૌથી મોટું AI ડેટા સેન્ટર કેમ્પસ બનવા જઈ રહ્યું છે. આ કેમ્પસ ટાટા ગ્રુપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની સબસિડિયરી કંપની હાઈપરવોલ્ટ AI ડેટા સેન્ટર લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે.

આ સેન્ટરની ક્ષમતા 1 ગીગાવોટ હશે, જે મોટી AI તકનીકોને ચલાવવા અને સંભાળવાનું કામ કરશે. કંપની અને તેના ભાગીદારો આ સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ ₹70,000 કરોડનું રોકાણ કરશે.

TCSએ શનિવારે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે આ મેગા પ્રોજેક્ટ માટે હૈદરાબાદમાં 264 એકર જમીન નક્કી કરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અલગ-અલગ તબક્કામાં તૈયાર કરવામાં આવશે.

કંપનીના જણાવ્યા અનુસાર, તે બન્યા પછી ભારતનું સૌથી મોટું અને આધુનિક AI સેન્ટર હશે. તેને વિશ્વની મોટી ટેક કંપનીઓ અને AI સ્ટાર્ટ-અપ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. અહીં હેવી AI મોડેલ્સ બનાવવા (ટ્રેનિંગ), તેમને ચલાવવા અને હાઈ-સ્પીડ પ્રોસેસિંગ માટે સુપર-ફાસ્ટ ગ્રાફિક્સ કાર્ડ્સનો ઉપયોગ થશે.

આ AI સેન્ટર સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી હશે. તેમાં સૌર-પવન જેવી ગ્રીન એનર્જીનો ઉપયોગ થશે અને પાણીનો બગાડ પણ નહીં થાય. આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકોને હજારો નોકરીઓ મળશે અને વીજળી, નેટવર્કિંગ, કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોના વ્યવસાયોને મોટો ફાયદો થશે.

હાઈપરવોલ્ટના CEO દીપેશ કિરણ નંદાએ જણાવ્યું કે આ સેન્ટરને ભવિષ્યની ટેકનોલોજીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. અહીં હેવી-ડ્યુટી કમ્પ્યુટિંગ અને પ્રોસેસરને ઠંડુ રાખવા માટે એડવાન્સ્ડ લિક્વિડ કૂલિંગ અને ડાયરેક્ટ-ટુ-ચિપ કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ થશે.

આ ઉપરાંત, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને પાવર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ડેટા સેન્ટરનું કામ કોઈપણ અવરોધ વિના ઝડપથી પૂર્ણ થશે.