ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સને લઈને એક મોટો કોર્પોરેટ પ્રસ્તાવ સામે આવ્યો છે. ટાટા ટ્રસ્ટ્સે ટાટા સન્સને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નિયમોના દાયરામાંથી બહાર લાવવા માટે વ્યૂહાત્મક પુનર્ગઠનનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ હેઠળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સોલ્યુશન્સ (TESS) અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (TCE)ને ટાટા સન્સમાં ભેળવવાની દરખાસ્ત છે.
ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સમાં આશરે 66 ટકા હિસ્સો છે. ટ્રસ્ટ્સે આ પ્રસ્તાવ ટાટા સન્સના બોર્ડ સમક્ષ મૂક્યો છે. આગળ વધારવા માટે પહેલા ટાટા સન્સના બોર્ડની મંજૂરી જરૂરી રહેશે અને ત્યારબાદ RBI સહિત સંબંધિત મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવી પડશે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા સન્સના બોર્ડ વચ્ચે કંપનીના ભવિષ્યના માળખા અને લિસ્ટિંગને લઈને મતભેદ સામે આવ્યા છે. ટાટા ટ્રસ્ટ્સે ટાટા સન્સને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરવાની દિશામાં આગળ વધવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
ટાટા સન્સને 2022માં ‘અપર લેયર નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની’ (NBFC) તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. ટાટા ગ્રુપની અનેક કંપનીઓમાં રોકાણ ધરાવતી હોલ્ડિંગ કંપની હોવાના કારણે તે RBIના નિયમન હેઠળ આવી હતી. આ વર્ગીકરણ સાથે કેટલીક પરિસ્થિતિમાં શેરબજારમાં લિસ્ટિંગની જરૂરિયાત ઊભી થાય છે. આ મહિનાની શરૂઆતમાં RBIએ ટાટા સન્સને નોન-બેન્કિંગ કંપની તરીકેની નોંધણીમાંથી બહાર નીકળવા માટે કરેલી અરજી સ્વીકારી ન હતી. ત્યારબાદ ટાટા સન્સ માટે લિસ્ટિંગનો મુદ્દો વધુ મહત્વનો બન્યો હતો.
બે કંપનીનું મર્જર કેવી રીતે મદદ કરી શકે?
ટાટા ટ્રસ્ટ્સના પ્રસ્તાવ મુજબ TESS અને TCEને ટાટા સન્સમાં મર્જર કરવાથી ટાટા સન્સ માત્ર રોકાણ કરતી હોલ્ડિંગ કંપની નહીં રહે, પરંતુ તેની પોતાની ઓપરેટિંગ બિઝનેસ અને આવક પણ નોંધપાત્ર બનશે. ટ્રસ્ટ્સના જણાવ્યા મુજબ, મર્જર બાદ સંયુક્ત કંપનીની ઓપરેટિંગ આવક આશરે ₹1.05 લાખ કરોડ થઈ શકે છે. તેમાંથી નાણાકીય સંપત્તિમાંથી થતી આવક આશરે ₹40,072 કરોડ હશે. એટલે કુલ આવકમાં ઓપરેટિંગ આવકનો હિસ્સો 64.3 ટકા રહેશે. ટાટા ટ્રસ્ટ્સનું કહેવું છે કે આ રીસ્ટ્રક્ચરિંગથી ટાટા સન્સની પ્રકૃતિ બદલાશે અને તે NBFC અથવા કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની (CIC) તરીકે વર્ગીકૃત થવાના માપદંડમાં નહીં આવે. જોકે, આ માટે બોર્ડ અને RBIની મંજૂરી જરૂરી રહેશે.
ટાટા સન્સનું જૂનું મોડલ ફરી આવશે?
ટાટા ટ્રસ્ટ્સે જણાવ્યું છે કે આ પ્રકારનું ઓપરેટિંગ મોડલ ટાટા સન્સ માટે નવું નથી. કંપનીના લગભગ 100 વર્ષના ઇતિહાસમાંથી આશરે 80 વર્ષ સુધી તેની પાસે પોતાની ઓપરેટિંગ બિઝનેસ અને આવક હતી. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) પણ 2004 સુધી ટાટા સન્સનો બિઝનેસ ડિવિઝન હતી, ત્યારબાદ તેને અલગ કંપની તરીકે ડિમર્જ કરવામાં આવી હતી. હવે પ્રસ્તાવિત મર્જર મંજૂર થાય છે કે નહીં અને તેના આધારે ટાટા સન્સની નિયમનકારી સ્થિતિમાં શું ફેરફાર થાય છે, તેના પર આગળની પ્રક્રિયા નિર્ભર રહેશે.