સત્ય. સાહસ. સંકલ્પ.

ટાટા સન્સ પર RBIના નિયમો ઘટાડવા ટાટા ટ્રસ્ટ્સની મર્જર યોજના, બે કંપનીઓનું વિલીનીકરણ

ટાટા સન્સ પર RBIના નિયમો ઘટાડવા ટાટા ટ્રસ્ટ્સની મર્જર યોજના, બે કંપનીઓનું વિલીનીકરણ

ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા સન્સને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના કડક નિયમો અને પ્રતિબંધોથી મુક્ત કરાવવા ટાટા ટ્રસ્ટ્સે એક યોજના બનાવી છે. આ યોજના હેઠળ ટાટાની બે કંપનીઓ—ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સનું ટાટા સન્સમાં વિલીનીકરણ કરવામાં આવશે.

આ ત્રણેય કંપનીઓને ભેગી કરીને એક કરવામાં આવશે. તેનાથી ટાટા સન્સને સરકારી પ્રતિબંધો વિના કામ કરવામાં સરળતા રહેશે. વિલીનીકરણનો હેતુ ટાટા સન્સને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) અને કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC)ની શ્રેણીમાંથી બહાર કાઢવાનો છે.

આવું થવાથી કંપની પર RBIના કડક પ્રતિબંધો ઓછા થઈ જશે. સોમવારે ટાટા ટ્રસ્ટ્સ તરફથી રજૂ કરાયેલા આ પ્રસ્તાવને જો ટાટા સન્સના બોર્ડ અને RBIની મંજૂરી મળી જાય, તો ટાટા સન્સ એક અનલિસ્ટેડ પ્રાઇવેટ કંપની તરીકે જ કામ કરતી રહેશે.

ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સમાં લગભગ 66% હિસ્સેદારી છે. તેણે ટાટા સન્સના બોર્ડને એક પત્ર મોકલ્યો છે. આ પત્રમાં કંપનીની આ મર્જર યોજનાની સમીક્ષા કરીને તેને મંજૂરી આપવા જણાવવામાં આવ્યું છે.

સાથે જ RBI પાસેથી આ મર્જરને અમલમાં મૂકવા માટે મંજૂરી અને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માગવા અરજી કરવા જણાવાયું છે. ટાટા ટ્રસ્ટ્સે કહ્યું છે કે ટાટા સન્સ સાથે મળીને પ્રસ્તાવિત મર્જરના તમામ પાસાઓ અંગે RBI સાથે ચર્ચા કરવામાં આવશે.

આ મહિનાની શરૂઆતમાં RBIએ ટાટા સન્સની તે અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે પોતાને ઇન્વેસ્ટમેન્ટ કંપનીની શ્રેણીમાંથી બહાર કરવાની માંગણી કરી હતી. RBIના નિયમો મુજબ, ટાટા સન્સ જેવી મોટી નાણાકીય કંપનીઓ માટે શેરબજારમાં લિસ્ટ થવું અનિવાર્ય છે.

આવી સ્થિતિમાં શેરબજારમાં લિસ્ટ થવાની ફરજથી બચવા માટે આ નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે. ટાટા સન્સે પોતાની કંપનીને ટુકડાઓમાં વહેંચવાને બદલે, પોતાના બે કાર્યરત નોન-ફાઇનાન્શિયલ બિઝનેસ—ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગને પોતાની સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે.

તેનાથી ટાટા સન્સને માત્ર અન્ય કંપનીઓમાં કરેલા રોકાણમાંથી મળતા નફા પર નિર્ભર રહેવું નહીં પડે, પરંતુ પોતાનો બિઝનેસ કરીને સીધી અને મોટી આવક પણ થવા લાગશે. તેનાથી કંપનીની કામ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે અને તેના પર શેરબજારમાં લિસ્ટ થવાનું દબાણ રહેશે નહીં.

પહેલાં ટાટા સન્સ માત્ર રોકાણ કરતી કંપની તરીકે કામ કરતી હતી. તેની પોતાની કોઈ ફેક્ટરી કે સીધું વેચાણ નહોતું, તે માત્ર બીજી કંપનીઓમાં નાણાંનું રોકાણ કરતી હતી. જોકે, હવે બે કાર્યરત કંપનીઓના વિલીનીકરણને કારણે તે માત્ર રોકાણ કરતી કંપની નહીં રહે, પરંતુ પોતે સીધા સામાન અને સેવાઓ વેચતી કંપની બની જશે.

ટાટા ટ્રસ્ટ્સનું કહેવું છે કે વિલીનીકરણ બાદ માર્ચ 2026 સુધીમાં નવી ટાટા સન્સની કુલ કમાણીમાંથી 64.3% હિસ્સો એટલે કે આશરે ₹1,05,043 કરોડ સામાન અથવા સેવાઓ વેચવાથી એટલે કે ઓપરેટિંગ બિઝનેસમાંથી આવશે. જ્યારે માત્ર 35.7% હિસ્સો એટલે કે આશરે ₹40,072 કરોડ રોકાણ અને નાણાકીય સ્ત્રોતોમાંથી આવશે.

RBI કોઈ કંપનીને નાણાકીય અથવા ઇન્વેસ્ટમેન્ટ કંપની (NBFC) ત્યારે જ માને છે, જ્યારે તેની મોટાભાગની કમાણી નાણાંના વ્યવહારો અથવા રોકાણમાંથી થતી હોય. ટાટા ટ્રસ્ટ્સનો તર્ક છે કે હવે ટાટા સન્સની મોટાભાગની કમાણી સીધો બિઝનેસ કરવાથી થશે.

આ જ કારણસર તે RBIના તે માપદંડને પૂર્ણ નહીં કરે, જેના આધારે તેને NBFC કહેવામાં આવે છે. એટલે કે, તે આપમેળે RBIના કડક નાણાકીય નિયમોના દાયરાની બહાર થઈ જશે.

RBIના નિયમો અનુસાર, જો કોઈ કંપનીની કુલ સંપત્તિનો 90% અથવા તેનાથી વધુ હિસ્સો બીજી કંપનીઓમાં શેર અથવા રોકાણના રૂપમાં હોય, તો તેને કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની એટલે કે CIC માનવામાં આવે છે.

મર્જર પછી ટાટા સન્સની કુલ સંપત્તિ ₹2,00,158 કરોડ થઈ જશે. તેમાં બીજી કંપનીઓમાં કરાયેલું રોકાણ ઘટીને માત્ર 88.5% રહી જશે. એટલે કે, તે 90%ની સરકારી મર્યાદાથી નીચે આવી જશે અને કંપની આપમેળે આ કડક નિયમોના દાયરાની બહાર થઈ જશે.

જો આ યોજના પૂર્ણ થઈ જાય, તો ટાટા સન્સની કામ કરવાની જૂની રીત પાછી આવી જશે. તે માત્ર બીજી કંપનીઓમાં નાણાંનું રોકાણ કરતી કંપની નહીં રહે, પરંતુ પોતે સીધી રીતે વ્યવસાય કરતી કંપની બની જશે.