ટાટા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન પદે ચાલુ રાખવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ નિર્ણયથી ગયા મહિને ચંદ્રશેખરને પોતાનો કાર્યકાળ પૂરો થયા બાદ પદ છોડવાની જાહેરાત પર પૂર્ણવિરામ મુકાયો છે.
જોકે, આ પ્રસ્તાવ પર મતદાન વખતે ટાટા પરિવારમાં મતભેદ સપાટી પર આવ્યા હતા. બોર્ડના લગભગ તમામ સભ્યોએ ચંદ્રશેખરનની પુનઃ નિમણૂકની તરફેણમાં મત આપ્યો હતો, પણ બોર્ડ સભ્ય નોએલ ટાટાએ વિરોધ કર્યો હતો અને વિરુદ્ધમાં મત આપ્યો હતો.
ચંદ્રશેખરનની વર્તમાન મુદત 20 ફેબ્રુઆરી 2027ના રોજ પૂરી થાય છે. ગયા 12 ઑગસ્ટે તેમણે બોર્ડને સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2027માં મુદત પૂરી થયા બાદ તેઓ આગામી ટર્મ માટે દાવો કરશે નહીં. આ જાહેરાત બાદ ઉત્તરાધિકારી શોધવા માટે સર દોરાબજી ટાટા ટ્રસ્ટે સિલેક્શન કમિટી બનાવવાની કવાયત શરૂ કરી હતી. પરંતુ પરિસ્થિતિ બદલાતાં બોર્ડે નેતૃત્વમાં સ્થિરતા જાળવવા ચંદ્રશેખરન પર જ ભરોસો મૂક્યો છે.
ફેબ્રુઆરી 2026માં યોજાયેલી બોર્ડ બેઠકમાં ચંદ્રશેખરનને પાંચ વર્ષનું એક્સટેન્શન આપવા પર સર્વસંમતિ સધાઈ નહોતી. ટાટા સન્સમાં આશરે 66% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ અને ચંદ્રશેખરન વચ્ચે ગવર્નન્સ, મૂડી રોકાણ, પર્ફોર્મન્સ અને ભવિષ્યના માલિકી માળખા અંગે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા.
ચંદ્રશેખરનના પદ પર ચાલુ રહેવા પાછળ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)નો તાજેતરનો નિર્ણય સૌથી મોટું કારણ બન્યો છે. 11 સપ્ટેમ્બરે RBIએ ટાટા સન્સની નોન-બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) તરીકેનું રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાની અરજી સત્તાવાર રીતે ફગાવી દીધી હતી.
સપ્ટેમ્બર 2022માં RBIએ ટાટા સન્સને તેના સ્કેલ-બેઝ્ડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક હેઠળ 'અપર-લેયર' NBFC તરીકે વર્ગીકૃત કર્યું હતું. આ નિયમ હેઠળ કંપનીએ ત્રણ વર્ષની અંદર એટલે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં ફરજિયાત લિસ્ટિંગ કરાવવાનું હતું. ટાટા સન્સે કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની તરીકે ડિ-રજિસ્ટર થઈને લિસ્ટિંગથી બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ અરજી પેન્ડિંગ રહેતાં ડેડલાઇન વીતી ગઈ હતી. હવે RBIના ઇન્કાર બાદ કંપની પર લિસ્ટિંગનું કાનૂની દબાણ ફરી સર્જાયું છે.
ટાટા ટ્રસ્ટ (66% હિસ્સો) પબ્લિક લિસ્ટિંગનો સખત વિરોધ કરી રહ્યું છે, જ્યારે ટાટા સન્સમાં લગભગ 18% હિસ્સો ધરાવતું શાપૂરજી પાલોનજી ગ્રૂપ (SP Group) લિસ્ટિંગની તરફેણમાં છે. આ કાનૂની અને રેગ્યુલેટરી કટોકટી વચ્ચે ટાટા સન્સને મજબૂત અને અનુભવી નેતૃત્વની જરૂર હોવાથી બોર્ડે ચંદ્રશેખરનને જાળવી રાખ્યા છે.
બોર્ડે RBIના આદેશ સામે કાનૂની લડત લડવાને બદલે લિસ્ટિંગ પ્રક્રિયાનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે. લિસ્ટિંગના મુદ્દે ટાટા ટ્રસ્ટ્સમાં પણ ભાગલા પડ્યા છે. નોએલ ટાટા લિસ્ટિંગનો વિરોધ કરે છે, જ્યારે અન્ય ટ્રસ્ટીઓ વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહ લિસ્ટિંગની તરફેણમાં છે. બીજી તરફ, ટાટા સન્સમાં 18.37% હિસ્સો ધરાવતું શાપૂરજી પાલોનજી ગ્રૂપ લિસ્ટિંગની સંપૂર્ણ તરફેણમાં છે.
RBIએ સંભવિત કાનૂની ગૂંચવણોને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટમાં કેવિએટ પણ દાખલ કરી છે, જેથી કોઈ એકતરફી સ્ટે ઓર્ડર ન આવી શકે.