સત્ય. સાહસ. સંકલ્પ.

ટાટા સન્સમાં ચંદ્રશેખરન ફરી ચેરમેન, પણ ટાટા ટ્રસ્ટ્સે નિર્ણયને કાયદેસર ગણાવ્યો અમાન્ય

ટાટા સન્સમાં ચંદ્રશેખરન ફરી ચેરમેન, પણ ટાટા ટ્રસ્ટ્સે નિર્ણયને કાયદેસર ગણાવ્યો અમાન્ય

ટાટા સન્સના બોર્ડે ગુરુવારે ત્રણ કલાક ચાલેલી બેઠકમાં બે મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ, એન. ચંદ્રશેખરનને ત્રીજી વખત પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાની મંજૂરી આપી. બીજો, ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો. જોકે, ટાટા સન્સમાં 66% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે આ નિર્ણયને કાયદેસર રીતે અમાન્ય ગણાવ્યો છે.

ટાટા ટ્રસ્ટ્સે જાહેર નિવેદનમાં કહ્યું છે કે બોર્ડ બેઠકમાં ચંદ્રશેખરનની પુનર્નિયુક્તિની તરફેણમાં ચાર ડિરેક્ટરો હતા, જ્યારે વિરોધમાં નોએલ ટાટા (રતન ટાટાના સાવકા ભાઈ) હતા. છતાં, ટાટા ટ્રસ્ટ્સ 4-1ના બહુમતને પૂરતું માનતું નથી અને તેથી આ નિમણૂક સ્વીકારતું નથી.

એક મહિનામાં આખો મામલો કેવી રીતે પલટાયો: 63 વર્ષીય ચંદ્રશેખરનનો કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027 સુધી છે. તેમણે 12 ઑગસ્ટે જાહેર કર્યું હતું કે તેઓ આગામી કાર્યકાળ નહીં લે, પરંતુ 3 સપ્ટેમ્બરે નોમિનેશન કમિટીએ ફરી વિચારવા અપીલ કરી. ગુરુવારે ચંદ્રશેખરન તૈયાર થઈ ગયા.

ગુરુવારની બેઠકમાં જ્યારે ચંદ્રશેખરનની ફરી નિમણૂકનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે ટાટા ટ્રસ્ટ્સના બંને નૉમિની ડિરેક્ટર સામસામે આવી ગયા. નોએલ ટાટાએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપ્યો, જ્યારે વેણુ શ્રીનિવાસને તરફેણમાં મત આપ્યો. એટલે કે નૉમિની ડિરેક્ટરો વચ્ચેનો મુકાબલો 1-1થી બરાબર થઈ ગયો.

બેઠકમાં હાજર એક ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, કંપની સેક્રેટરીએ કાનૂની અભિપ્રાય રજૂ કર્યો કે મત સમાન રહેવાની સ્થિતિમાં ચેરમેન કાસ્ટિંગ એટલે કે નિર્ણાયક મત આપી શકે છે. ત્યારબાદ ચંદ્રશેખરને પોતાની જ પુનઃનિયુક્તિની તરફેણમાં નિર્ણાયક મત આપ્યો અને ઠરાવ આગળ વધ્યો. નોએલે વિરોધ કરતાં પૂર્વ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડનો કાનૂની અભિપ્રાય રજૂ કર્યો, પરંતુ ટાટા ટ્રસ્ટ્સનો દાવો છે કે બોર્ડે તેને સ્વીકાર્યો નહોતો.

વિવાદનું મૂળ અનુચ્છેદ 121એમાં છે. નોએલનો વિરોધ ટાટા સન્સના આર્ટિકલ્સ ઑફ એસોસિએશનના અનુચ્છેદ 121એ પર આધારિત હતો. તેના મુજબ, ચેરમેનની પુનઃનિયુક્તિ માટે નૉમિની ડિરેક્ટરોના બહુમતી સમર્થનની જરૂરિયાત છે. નોએલના વિરોધને કારણે આ શરત પૂરી થઈ નહોતી અને ઠરાવ ‘કાયદેસર રીતે શૂન્ય’ બની ગયો. ટ્રસ્ટ્સનો તર્ક છે કે આ વિશેષ શરત ચેરમેનના કાસ્ટિંગ વોટથી પૂરી કરી શકાતી નથી.

આગળ શું? એજીએમ મહત્વપૂર્ણ: બોર્ડનો નિર્ણય અંતિમ નથી. હવે જનરલ બોડી મીટિંગમાં શેરધારકોની મંજૂરી લેવામાં આવશે. અહીં ટાટા ટ્રસ્ટ્સ 66% હિસ્સેદારીના કારણે મજબૂત સ્થિતિમાં છે. તેથી ત્યાં નવો વિવાદ સામે આવી શકે છે. નિર્ણયને કાનૂની પડકાર પણ આપવામાં આવી શકે છે.

ચંદ્રશેખરનના નેતૃત્વમાં ટાટા જૂથનો વિકાસ: જૂથની આવક 2019માં 6 લાખ કરોડ રૂપિયા હતી, જે 2026માં વધીને 16.24 લાખ કરોડ થઈ ગઈ. ટાટા સન્સની સંપત્તિ 2018માં 43,252 કરોડ હતી, જે 2026માં 1,79,010 કરોડ સુધી પહોંચી. લિસ્ટેડ કંપનીઓનું મૂડીકરણ 2020માં 9.2 લાખ કરોડ હતું, જે 2026માં 24 લાખ કરોડ થયું.