ભારતનું 158 વર્ષ જૂનું અને અતિ પ્રતિષ્ઠિત ટાટા ગ્રુપ (Tata Group) હાલમાં એક અભૂતપૂર્વ આંતરિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે પોતાની સ્થિરતા, શાંતિ અને ઉચ્ચ મૂલ્યો માટે જાણીતા આ સામ્રાજ્યના મુખ્ય મથક 'બોમ્બે હાઉસ'માં એક મોટો કોર્પોરેટ વિવાદ શરૂ થઈ ગયો છે. આ વિવાદ માત્ર ચેરમેનની ખુરશી પૂરતો સીમિત નથી, પરંતુ ટાટા સન્સના ભવિષ્ય અને તેના શેરબજારમાં લિસ્ટિંગ (IPO) સાથે પણ જોડાયેલો છે. એક તરફ ટાટા સન્સનું બોર્ડ છે અને બીજી તરફ કંપનીમાં 66% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા છે. ઑક્ટોબર 2024માં રતન ટાટાના અવસાન બાદ આ સૌથી મોટો આંતરિક સંઘર્ષ છે, જેણે 2016ના સાયરસ મિસ્ત્રી વિવાદની યાદ તાજી કરાવી દીધી છે. આવો સમજીએ કે ટાટા ગ્રુપમાં ચાલી શું રહ્યું છે.
ચેરમેનની ખુરશીનો વિવાદ
ટાટા સન્સના વર્તમાન એક્ઝિક્યુટિવ ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027માં પૂરો થઈ રહ્યો છે. ઑગસ્ટ મહિનામાં તેમણે જાતે જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નવો કાર્યકાળ નહીં માંગે. ટાટા ટ્રસ્ટે આ વાત સ્વીકારીને નવા ચેરમેનની શોધ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ, સપ્ટેમ્બરમાં બોર્ડની નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીએ તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં ચંદ્રશેખરને આ વિનંતી સ્વીકારી લીધી અને બોર્ડે 4-1ની બહુમતીથી તેમને વધુ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો.
નિમણૂક 'ગેરકાયદેસર' ગણાવીને નોએલ ટાટાએ વિરોધ કર્યો
ટાટા ટ્રસ્ટના ચેરમેન અને બોર્ડના નોમિની ડિરેક્ટર નોએલ ટાટાએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. બોર્ડ મીટિંગમાં વિરુદ્ધમાં પડેલો 1 મત નોએલ ટાટાનો હતો. તેમણે આ પુનઃનિયુક્તિને સંપૂર્ણપણે 'ગેરકાયદેસર' અને 'અમાન્ય' ગણાવી છે. નોએલ ટાટાની દલીલ છે કે ચંદ્રશેખરને પોતાની મરજીથી નવો કાર્યકાળ ન લેવાની વાત પત્ર લખીને કહી હતી, જેના પર કોઈ દબાણ નહોતું. વધુમાં, ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો 66% હિસ્સો છે. નિયમો મુજબ ચેરમેનની નિમણૂક માટે ટ્રસ્ટના નોમિની ડિરેક્ટરોની સહમતિ જરૂરી છે. નોએલ ટાટાએ વિરોધમાં મત આપ્યો હોવા છતાં કાનૂની અભિપ્રાયનો સહારો લઈને તેમના વીટો (Veto) પાવરને રદ કરી દેવામાં આવ્યો, જે તેમના મતે કાયદાકીય રીતે ખોટું છે અને શેરધારકોના વિશ્વાસની વિરુદ્ધ છે.
RBIનું દબાણ, શેરબજારમાં લિસ્ટિંગનો મુદ્દો
આ વિવાદનું બીજું સૌથી મોટું કારણ ટાટા સન્સનું શેરબજારમાં લિસ્ટિંગ (Listing) છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI)એ ટાટા સન્સને 2022માં ઉચ્ચ સ્તરની NBFC (નોન-બૅન્કિંગ ફાયનાન્શિયલ કંપની) તરીકે વર્ગીકૃત કરી હતી. આ નિયમ હેઠળ આવી કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ ફરજિયાત છે. ટાટા સન્સે પોતાનું દેવું ચૂકવીને આ નિયમમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો અને RBIને અરજી કરી, પરંતુ 11 સપ્ટેમ્બર 2026ના રોજ RBIએ આ અરજી ફગાવી દીધી.
આથી ગુરુવારની બોર્ડ મીટિંગમાં કંપનીને પબ્લિક લિસ્ટિંગ તરફ લઈ જવાનો નિર્ણય લેવાયો, જેથી ચંદ્રશેખરન આ પ્રક્રિયાનું નેતૃત્વ કરી શકે. પરંતુ, નોએલ ટાટા આ પગલાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે માર્ચ 2024માં સ્વર્ગસ્થ રતન ટાટાના માર્ગદર્શન હેઠળ સર્વાનુમતે નક્કી થયું હતું કે કંપની ખાનગી (Unlisted) જ રહેવી જોઈએ. નોએલનું માનવું છે કે લિસ્ટિંગ એકમાત્ર વિકલ્પ નથી; કંપનીએ RBI પાસે સપ્ટેમ્બર 2029 સુધીનો વધુ 3 વર્ષનો સમય માંગવો જોઈએ અને ખાનગી કંપની તરીકે જળવાઈ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
ટાટા ગ્રુપ સામેના અન્ય મોટા પડકારો
આંતરિક ડખાઓ સિવાય પણ ટાટા ગ્રુપના ઘણા વ્યવસાયો અત્યારે દબાણ હેઠળ છે. એર ઇન્ડિયા...