સત્ય. સાહસ. સંકલ્પ.

ટાટા ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીમાં ટાંકી સફાઈ દરમિયાન 3 કર્મચારીનાં મોત, એપલ તપાસ કરશે

ટાટા ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીમાં ટાંકી સફાઈ દરમિયાન 3 કર્મચારીનાં મોત, એપલ તપાસ કરશે

તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લામાં ઉડનાપલ્લી નજીક વન્નિયાપુરમ ખાતે આવેલી ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડની આઇફોન કમ્પોનન્ટ ફેક્ટરીમાં સોમવારે સાંજે પાણીની ટાંકીની સફાઈ દરમિયાન ગૂંગળામણને કારણે ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનાં મોત થયાં છે. આ ઘટનાની એપલ કંપની તપાસ કરશે, એમ મીડિયા અહેરાતોમાં જણાવવામાં આવ્યું છે.

‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, આ અકસ્માત તહેવારની રજાઓ દરમિયાન ફેક્ટરી બંધ હતી ત્યારે થયો હતો, તેથી ઉત્પાદન પર કોઈ અસર થઈ નથી.

આ દુર્ઘટના ટાટા ઇલેક્ટ્રોનિક્સની ફેક્ટરીમાં આવેલા એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)ના નાનો-ફિલ્ટ્રેશન ફીડ ટાંકીની જાળવણી અને સફાઈ કાર્ય દરમિયાન થઈ હતી. જાળવણીના કામ માટે નાલ્કો સાથે જોડાયેલી એક કંપનીએ આ કર્મચારીઓને મોકલ્યા હતા.

કૃષ્ણગિરીના કલેક્ટર સી. દિનેશ કુમારે જણાવ્યું કે ટાંકીની સફાઈ દરમિયાન કર્મચારીઓને ઝેરી ગેસની અસર થઈ હતી. સૌપ્રથમ બી. અકમલે ટાંકીની અંદર જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝેરી ગેસ શ્વાસમાં જતા તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ પી. કાવેરીના કહેવાથી એમ. સાર્થિકુમાર તેમને જોવા માટે અંદર ગયા અને તેઓ પણ બેભાન થઈ ગયા. ત્યારબાદ કાવેરી પોતે બંનેને જોવા માટે ટાંકીમાં ઉતર્યા અને તેઓ પણ અંદર બેભાન થઈને પડી ગયા.

ઘટનાને જોઈ રહેલા ટીમના ચોથા સભ્યે તરત જ મદદ માંગી. ત્રણેય કર્મચારીઓને હોસુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ત્રણેય કર્મચારીઓ ધર્મપુરી જિલ્લાના વતની હતા:

  • બી. અકમલ (28): પંચપલ્લીના થિન્નૂર ગામના રહેવાસી.
  • પી. કાવેરી (32): હનુમંતપુરમના રહેવાસી.
  • એમ. સાર્થિકુમાર (25): પાલાકોડ નજીકના બેલારામપટ્ટીના રહેવાસી.

કલેક્ટર સી. દિનેશ કુમારે જણાવ્યું કે ઈટીપીની જાળવણી દરમિયાન યોગ્ય સુરક્ષા સાધનો મૂકવામાં આવ્યા નહોતા. જિલ્લા પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ત્રણેય કર્મચારીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી કૃષ્ણગિરી એમસીએચ (MCH) ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ કલેક્ટર દિનેશ કુમાર, દેનકનિકોટ્ટાઈના તહસીલદાર વી. ષણમુગમ, દેનકનિકોટ્ટાઈના ડીએસપી અનંતરાજ અને ઔદ્યોગિક સુરક્ષા તથા આરોગ્ય નિદેશાલયના સંયુક્ત નિયામક સરવણને ઘટનાસ્થળની મુલાકાત લીધી.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં મોતનું કારણ ઝેરી ગેસ શ્વાસમાં જવું હોવાનું લાગી રહ્યું છે, પરંતુ અંતિમ પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે. સરવણને કહ્યું કે તપાસ ચાલુ હોવાથી તેઓ હાલમાં કોઈ ટિપ્પણી કરી શકતા નથી.

તમિલનાડુના ઉદ્યોગ મંત્રી વિરુદ્ધઈ મગલ કીર્તનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે દરેક કર્મચારીની સુરક્ષા અને ગૌરવ સર્વોપરી હોવું જોઈએ. આ દુઃખદ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તપાસના પરિણામોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પ્રશાસનને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ જરૂરી સહાય પૂરી પાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં સપ્ટેમ્બર 2024માં રાયકોટ્ટઈ નજીક આવેલા ઉલ્લુકુરુક્કઈ ગામમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના કેમિકલ પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનામાં શ્વાસ રૂંધાવા અને આરોગ્ય સંબંધિત અન્ય સમસ્યાઓને કારણે 11 લોકોને હોસુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

એસ્ફિક્સિએશન એક એવી જીવલેણ સ્થિતિ છે, જેમાં શરીરને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળી શકતો નથી. આવું સામાન્ય રીતે ટાંકી, ગટર અથવા વેન્ટિલેશન વિનાના ઓરડા જેવી બંધ જગ્યાઓમાં ઝેરી વાયુઓ જમા થવાને કારણે અથવા ઑક્સિજનની અછતને કારણે થાય છે. આવી જગ્યાઓ પર કામ કરતા પહેલાં સુરક્ષા ધોરણો અને ઑક્સિજનનું સ્તર તપાસવું જરૂરી હોય છે.