સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્યામાં ટાટા કેમિકલ્સનું કામ બંધ નહીં થાય: કંપનીનું નિવેદન – તમામ શરતો પૂરી કરી છે

કેન્યામાં ટાટા કેમિકલ્સનું કામ બંધ નહીં થાય: કંપનીનું નિવેદન – તમામ શરતો પૂરી કરી છે

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ટાટા કેમિકલ્સને દેશમાં કામ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ કંપનીએ શુક્રવારે સ્પષ્ટતા કરી છે કે તેનું કામકાજ અત્યારે ચાલુ રહેશે. ટાટા કેમિકલ્સે જણાવ્યું કે તેણે બધી જરૂરી શરતો પૂરી કરી છે અને કેન્યા સરકારના આગળના આદેશની રાહ જોઈ રહી છે.

કંપનીએ એમ પણ કહ્યું કે તેણે 11 ઓગસ્ટ 2026ના રોજ જ કેન્યા સરકારને તમામ જરૂરી દસ્તાવેજો અને વિગતવાર રિપોર્ટ સુપરત કરી દીધા હતા. કંપની તમામ નિયમોનું પાલન કરી રહી છે. રાષ્ટ્રપતિના આદેશ બાદ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે સરકાર સાથે વાતચીત કરીને ઉકેલ શોધવા પ્રતિબદ્ધ છે.

રાષ્ટ્રપતિ રૂટોએ શું કહ્યું?

કેન્યાના રાષ્ટ્રપતિએ ગુરુવારે કાજિયાડોની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ટાટા કેમિકલ્સે કેન્યામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો નથી, માત્ર માઇનિંગ અને પ્રોસેસિંગનું કામ કરે છે. તેમણે કહ્યું કે કંપનીની સાથે સમાધાન કરવાની જરૂર નથી. તેમણે એવો આદેશ કર્યો કે કંપનીએ તાત્કાલિક અસરથી કામકાજ બંધ કરી દેવું જોઈએ.

રૂટોએ નવા રોકાણકારોને લાવવાની જાહેરાત કરી:

રાષ્ટ્રપતિએ કહ્યું કે ટાટાની જગ્યાએ નવા રોકાણકારોને લાવવામાં આવશે, જે કેન્યામાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું, "આપણે કોઈના ગુલામ નથી બનવું જોઈએ." તેમણે ઉમેર્યું કે 100 વર્ષના કરાર છતાં ટાટાએ કેન્યામાં કોઈ વિકાસ કાર્ય કર્યું નથી.

ટાટા કેમિકલ્સનો શેર ગગડ્યો:

આ સમાચાર આવતા જ BSE પર ટાટા કેમિકલ્સનો શેર 3% તૂટીને ₹625 પર આવી ગયો, જે તેનો દિવસનો નીચલો સ્તર હતો. ટાટા કેમિકલ્સનો શેર છેલ્લા એક વર્ષમાં 30% ઘટ્યો છે. 2026માં અત્યાર સુધીમાં શેર 15% ઘટ્યો છે.

કંપની માટે કેન્યા કેટલી મહત્વની?

ટાટા કેમિકલ્સનું કેન્યામાં સોડા એશ ઉત્પાદનનું એકમ આફ્રિકામાં સૌથી મોટું છે. ત્યાં વાર્ષિક 3,50,000 ટન સોડા એશ ઉત્પાદન થાય છે, જે ભારત સહિત દુનિયાભરમાં નિકાસ થાય છે. ટાટા કેમિકલ્સના કુલ EBITDAમાં કેન્યાનું યોગદાન લગભગ 6% છે. જોકે, નાણાકીય વર્ષ 2026માં કંપનીના પરિણામો નબળા રહ્યા છે.