સત્ય. સાહસ. સંકલ્પ.

ટાટા એરિસ લોન્ચ: ₹5.29 લાખથી શરૂ, મારુતિ ડિઝાયરને ટક્કર

ટાટા એરિસ લોન્ચ: ₹5.29 લાખથી શરૂ, મારુતિ ડિઝાયરને ટક્કર

ટાટા મોટર્સે તેની નવી કોમ્પેક્ટ સેડાન 'ટાટા એરિસ' લોન્ચ કરી છે. આ કાર પહેલાં ટિગોર નામથી વેચાતી હતી. હવે તેને નવા નામ અને નવા ડિઝાઇન સાથે બજારમાં ઉતારવામાં આવી છે. કંપનીએ તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹5.29 લાખ રાખી છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત ₹9.19 લાખ સુધી જાય છે.

આ કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ગ્રાહકોને નવરાત્રિના પ્રથમ દિવસથી ડિલિવરી મળવાની શરૂ થશે. ટાટા એરિસ પાંચ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: સ્માર્ટ, પ્યોર, પ્યોર+, ક્રિએટિવ અને એક્મ્પ્લિશ્ડ.

આ કાર ટાટાના X-Alpha પ્લેટફોર્મ પર બની છે. તેને ફક્ત પ્રાઇવેટ ગ્રાહકો માટે જ વેચવામાં આવશે. ટેક્સી અને કોમર્શિયલ વપરાશ માટે જૂની ટિગોર 'એક્સપ્રેસ' નામથી વેચાતી રહેશે. બજારમાં તેની સીધી ટક્કર મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા અમેઝ સાથે થશે.

ડિઝાઇનમાં ઘણા ફેરફાર થયા છે. આગળના ભાગમાં નવી ગ્રિલ, હેડલેમ્પ્સ, LED DRLs અને ફોગ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. પાછળ કનેક્ટેડ લાઇટ સ્ટ્રીપ અને નવી LED ટેલલાઇટ્સ છે. કારમાં બ્લેક-આઉટ એલોય વ્હીલ્સનો સેટ પણ આપવામાં આવ્યો છે. ખરાબ રસ્તાઓ પર ડ્રાઇવિંગ માટે તેમાં 170 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. કાર છ રંગોમાં ઉપલબ્ધ છે: ડેન્ડેલ ડ્રિઝલ, નાઈટ્રો ક્રિમસન, ડ્યુન ગ્લો, ડેટોના ગ્રે, પ્યોર ગ્રે અને પ્રિસ્ટાઇન વ્હાઇટ.

કેબિનમાં પેલ બેજ અને ગ્રે કલર થીમ, ફેબ્રિક ડેશબોર્ડ અને નવું ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ છે. ડેશબોર્ડની મધ્યમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. અન્ય સુવિધાઓમાં વાયરલેસ ચાર્જિંગ ટ્રે, સ્ટાર્ટ-સ્ટોપ બટન, ક્રુઝ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા, ડેશકેમ, રીઅર AC વેન્ટ્સ અને 65W ટાઇપ-C ચાર્જરનો સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં પ્રથમ વખત વેન્ટિલેટેડ સીટ્સ પણ આપવામાં આવી છે. AMT વેરિઅન્ટમાં રોટરી ડાયલ ગિયર સિલેક્ટર અને પેડલ શિફ્ટર્સ મળશે.

એન્જિન 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ છે, જે પેટ્રોલ અને CNG બંનેમાં ઉપલબ્ધ છે. CNG-AMT કોમ્બો પણ ઓફર કરવામાં આવે છે. ટ્વીન-સિલિન્ડર ટેકનોલોજીને કારણે CNG ટાંકી હોવા છતાં 70 લિટરની બૂટ સ્પેસ મળે છે. પેટ્રોલમાં એન્જિન 86 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે CNGમાં 75 bhp પાવર અને 96.5 Nm ટોર્ક મળે છે. ટ્રાન્સમિશન માટે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT વિકલ્પો છે. કારને સીધી CNG મોડ પર સ્ટાર્ટ કરી શકાય છે.

સલામતી માટે તમામ પાંચ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ છે. આ ઉપરાંત બ્લાઇન્ડ-સ્પોટ મોનિટરિંગ, ટોર્ક વેક્ટરિંગ અને અન્ય સુરક્ષા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.