રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક માટે લેવાતી શિક્ષક અભિરુચિ કસોટી (TAT સેકન્ડરી)ની મુખ્ય પરીક્ષા આજે અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં યોજાઈ રહી છે. પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનારા 75,000થી વધુ ઉમેદવારો આ મુખ્ય કસોટીમાં બેઠા છે.
ઉમેદવારોનું ચેકિંગ કર્યા બાદ તેમને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા બે સેશનમાં લેવાશે. પેપર-1 સવારે 10:30થી બપોરે 1:00 વાગ્યા સુધી અને પેપર-2 બપોરે 3:00થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે.
અમદાવાદમાં 171 કેન્દ્રો પર 31 હજારથી વધુ પરીક્ષાર્થી
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 84 કેન્દ્રો પર 15,000થી વધુ અને પશ્ચિમ વિસ્તારમાં 87 કેન્દ્રો પર 16,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે કેન્દ્ર સંચાલકો, બ્લોક સુપરવાઇઝરો અને ઓબ્ઝર્વરોની નિમણૂક કરીને તેમને ખાસ તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત, દરેક કેન્દ્ર પર સરકાર નિયુક્ત પ્રતિનિધિઓ તૈનાત રહીને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે.
સુરતમાં 15,958 ઉમેદવારો
સુરત જિલ્લામાં કુલ 15,958 ઉમેદવારો માટે 84 બિલ્ડિંગમાં 806 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોને નિયત સમય પહેલાં કેન્દ્ર પર પહોંચી જવા અપીલ કરાઈ છે.
વડોદરામાં 63 કેન્દ્રો પર 12,546 ઉમેદવારો
વડોદરા શહેરમાં કુલ 63 પરીક્ષા કેન્દ્રો પર 12,546 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા દરમિયાન ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્રો ખાતે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ઉમેદવારોને અગાઉથી પરીક્ષા સ્થળની માહિતી ચકાસી લેવા અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં 85 કેન્દ્રો પર 15,000 ઉમેદવારો
રાજકોટ જિલ્લામાં અંદાજે 15,000 ઉમેદવારો માટે 85 કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ પેપર માટે સવારે 9:30 વાગ્યાથી પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રોની આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.