ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી TAT-HS (ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ - હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષાના પરિણામે પરીક્ષાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે 47 હજાર ઉમેદવારો બેઠા હતા, જેમાંથી માત્ર 16 હજાર જ પાસ થયા છે, જ્યારે આશરે 30 હજાર ઉમેદવારો નાપાસ થયા છે.
પરિણામમાં આટલી મોટી સંખ્યામાં નાપાસ થયા બાદ પરીક્ષાર્થીઓએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે રાજ્ય પરીક્ષા બોર્ડને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે, બંને પેપરના માર્ક અલગ-અલગ જાહેર કરવામાં આવે, દરેક ઉમેદવારની ઉત્તરવહી અને આન્સર કી જાહેર કરવામાં આવે તથા મૂલ્યાંકન પદ્ધતિ અને તેના નિયમો સ્પષ્ટ કરવામાં આવે.
પરીક્ષાર્થીઓમાં આક્રોશ એટલા માટે પણ છે કારણ કે ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી. ધારક જેવા તેજસ્વી ઉમેદવારોના પણ પરિણામ અપેક્ષા મુજબ આવ્યા નથી. એક પરીક્ષાર્થી ડો. ભાવેશ પારેખે જણાવ્યું કે, અમે ખૂબ મહેનતથી પરીક્ષા આપી હતી, પરંતુ પરિણામમાં આંકડાકીય વિસંગતતાઓ અને અણધાર્યા માર્ક્સને કારણે ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ત્વરિત અને નિષ્પક્ષ તપાસ કરીને ઉમેદવારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
આ મામલે રાજ્ય પરીક્ષા બોર્ડે યોગ્ય કાર્યવાહી અને તપાસની ખાતરી આપી છે. હવે આગામી દિવસોમાં બોર્ડ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.