સુરેન્દ્રનગરના થાનગઢ નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પાસે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો શરૂ થયો છે. દેશ-વિદેશથી આવતા લાખો મુલાકાતીઓએ પહેલા દિવસે જ ભારે વરસાદનો અનુભવ કર્યો, જેના કારણે આખા મેદાનમાં કાદવ-કીચડ ફેલાઈ ગયું હતું. રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ભાદરવા સુદ ત્રીજના રોજ પૂજન-અર્ચન અને જલાભિષેક સાથે મેળાનો પ્રારંભ થયો. વરસાદને કારણે નેતાઓએ છત્રી ઓઢીને મેળો ખુલ્લો મૂક્યો, જ્યારે વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મોટા પ્લાસ્ટિક નીચે ઊભા રહેવું પડ્યું. આ સ્થિતિએ સરકારી આયોજન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
બીજા દિવસે ગ્રામીણ ઓલિમ્પિક્સ હેઠળ યોજાયેલી સ્પર્ધાઓમાં લાડુ ખાવાની સ્પર્ધાએ લોકોનું ધ્યાન ખેંચ્યું. 25થી 75 વર્ષની વયના 28 સ્પર્ધકોએ 30 મિનિટમાં વધુમાં વધુ લાડુ ખાવાનો પડકાર લીધો. શરૂઆતની 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકોએ સરેરાશ 15 લાડુ ખાઈને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા. અંતિમ તબક્કામાં પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી. 52 વર્ષીય બળવંત રાઘવાણીએ 28 લાડુ ખાઈને પ્રથમ ક્રમ મેળવ્યો, જ્યારે જેરામ લઘુભાઈએ 26 લાડુ સાથે બીજો ક્રમ મેળવ્યો. વિજેતા બળવંતને રૂ. 2,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું કે, લોકોના ઉત્સાહ અને પ્રતિસાદથી સ્પર્ધકોને ભાગ લેવાનો સાચો આનંદ મળ્યો છે. આ મેળો આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવવા સાથે લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવના પ્રદાન કરે છે.
મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી. સંતો-મહંતોએ ધજાનું પૂજન કર્યા બાદ વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી હતી. વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબાએ જણાવ્યું કે, ધ્વજા ચડાવીને ખૂબ આનંદ થાય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તેમણે તમામ નાગરિકો ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવની કૃપા યથાવત્ રહે તેવી પ્રાર્થના કરી.
દરમિયાન મોતના કૂવા પાસે એક દુર્ઘટના ઘટી. સ્ટેજનો આગળનો ભાગ અચાનક તૂટી પડતાં અને લોખંડની એંગલ નમી પડતાં 4થી 5 લોકોને સામાન્ય ઈજાઓ થઈ. મેળામાં આવેલા લોકોએ લોખંડની એંગલને ટેકો આપી પકડી રાખતાં મોટી દુર્ઘટના ટળી. ઘટનાથી થોડા સમય માટે અફડાતફડી મચી ગઈ હતી.