સત્ય. સાહસ. સંકલ્પ.

તરણેતર મેળામાં 'મોતના કૂવા'નું સ્ટેજ તૂટ્યું, 4-5 લોકોને સામાન્ય ઈજા

તરણેતર મેળામાં 'મોતના કૂવા'નું સ્ટેજ તૂટ્યું, 4-5 લોકોને સામાન્ય ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો યોજાઈ રહ્યો છે. ભાદરવા સુદ ત્રીજ એટલે કે 14 સપ્ટેમ્બર, 2026થી શરૂ થયેલા આ ઐતિહાસિક મેળામાં ભક્તિ, સંસ્કૃતિ અને ઉલ્લાસનો સંગમ જોવા મળી રહ્યો છે. મેળામાં સુરક્ષા માટે 2,500થી વધુ પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય સેવા માટે 100થી વધુ ડૉક્ટરો તથા સ્ટાફની ટીમ તૈનાત કરવામાં આવી છે. વિદેશથી પણ લોકો મેળો માણવા આવે છે.

આ દરમિયાન મેળામાં મનોરંજન માટે બનાવાયેલા 'મોતના કૂવા'નું સ્ટેજ અચાનક તૂટી પડવાની ઘટના બની હતી. મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક ધસી પડતાં ત્યાં હાજર લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો. સ્ટેજ સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ અચાનક નમી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા 4 થી 5 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

જોકે, મેળો માણવા આવેલા જાગૃત લોકોએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક એંગલને ટેકો આપીને પકડી રાખી હતી, જેના કારણે સમયસર મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને જાનહાનિ અટકી હતી. આ ઘટના બાદ મેળામાં સ્થળ પર હાજર અધિકારીઓએ સ્ટેજની સુરક્ષા ચકાસણી હાથ ધરી છે.