સુરેન્દ્રનગરના થાન ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળો આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. આ મેળો 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વર્ષે મેળાની થીમ 'સોડમ પુરાતન પાંચાળની' રાખવામાં આવી છે. મેળામાં લોકસંગીત, રાસ-ગરબા અને લોકસંસ્કૃતિની ઝલક જોવા મળશે.
તરણેતરનો મેળો ઝાલાવાડની લોકપરંપરા, લોકકલા અને ગ્રામ્ય જીવનશૈલીની આગવી ઓળખ ધરાવે છે. સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે મળેલા પ્રોત્સાહનથી મેળાને વૈશ્વિક ઓળખ મળી છે. હવે ગ્રામીણ ઓલિમ્પિક જેવી રમતગમતની સ્પર્ધાઓ અને પશુ પ્રદર્શન સહિતના આયોજનોને કારણે તરણેતર મેળો લોકસંસ્કૃતિ, રમતગમત અને પ્રવાસનના ત્રિવેણી સંગમનું કેન્દ્ર બની રહ્યો છે.
14 સપ્ટેમ્બર, ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થઈ છે. 15 સપ્ટેમ્બરે ચોથના દિવસે રંગત જામશે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલશે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે.
16 સપ્ટેમ્બરને ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી 1008 મહામંડલેશ્વર પૂ.શ્રી નિર્મળાબા ઉનડબાપુના હસ્તે બાવન ગજની ધજાનું ધ્વજારોહણ થશે. રાત્રે 9:00 કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે.
17 સપ્ટેમ્બરે સવારે છઠના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવની સવારની આરતી બાદ ત્યારબાદ બપોરે 12:00 કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ તરણેતર લોકમેળા-2026ની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
સુરેન્દ્રનગરના જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણના જણાવ્યા મુજબ, તા. 14, 15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે. 100, 200, 400 અને 800 મીટરની દોડ, લાંબી કૂદ, ગોળાફેંક અને 4x100 મીટર રિલે જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ખેલાડીઓ પોતાની સ્ફૂર્તિ અને શક્તિનું પ્રદર્શન કરશે. જ્યારે લંગડી, કબડ્ડી અને વોલીબોલ જેવી રમતોમાં ટીમવર્ક અને ચપળતાની કસોટી થશે. ગ્રામીણ ઓલિમ્પિકમાં પરંપરાગત રમતોને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
બહેનો માટે માટલા દોડ, ભાઈઓ માટે નારિયેળ ફેંક, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી અને સ્ટ્રોન્ગેસ્ટમેન જેવી રમતો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કુસ્તીની સ્પર્ધામાં ખેલાડીઓને અલગ-અલગ વજન જૂથમાં તક આપવામાં આવશે, જ્યારે રસ્સાખેંચમાં 10 ખેલાડીઓની ટીમો ભાગ લેશે. ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની કુશળતા કેળવનારા યુવાનોને મોટા આયોજનમાં પ્રતિભા દર્શાવવાની તક મળે તે આ રમતોત્સવનો મુખ્ય હેતુ છે. દરેક રમતના વિજેતાઓને સ્થળ પર જ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આથી ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવના અને ઉત્સાહ વધવાની સાથે ગ્રામ્ય રમતપ્રતિભાને નવી ઉડાન મળશે. દરેક સ્પર્ધાઓમાં પ્રથમ નંબરનું ઈનામ રૂ.25,000, દ્વિતીય નંબરનું ઈનામ રૂ.20,000 અને તૃતીય નંબરનું ઈનામ રૂ.15,000 રાખવામાં આવ્યું છે. બાળદગાડ શણગાર-રેસ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને રૂ. 5,000 પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
આ રમતોત્સવ માત્ર સ્પર્ધા પૂરતો મર્યાદિત ન રહેતા ગ્રામ્ય યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીની ભાવના વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. દેશી અને પરંપરાગત રમતોને લોકમેળાના મંચ પર સ્થાન મળવાથી નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસા સાથે જોડવાની તક મળશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી આવતા ખેલાડીઓ અને રમતપ્રેમીઓ માટે ગ્રામીણ ઓલિમ્પિક તરણેતર મેળાનું વિશેષ આકર્ષણ બનશે.
તરણેતરનું નામ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે. સ્કંદપુરાણની માન્યતા મુજબ ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અહીં તપસ્યા કરી હતી. શિવલિંગની પૂજા દરમિયાન એક કમળ ઓછું પડતાં ભગવાન વિષ્ણુએ પોતાનું જમણું નેત્ર કમળ તરીકે અર્પણ કર્યું હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને વિષ્ણુનું નેત્ર પોતાના કપાળ પર ધારણ કર્યું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા અને સમય જતાં ત્રિનેત્રેશ્વર નામનું અપભ્રંશ થઈને તરણેતર થયું.