સત્ય. સાહસ. સંકલ્પ.

ટીવી સ્ટાર તારા સુતારિયાની બોલિવૂડ સફર: ડિઝની ચેનલથી 'અપૂર્વા' સુધી, વચ્ચે રિપ્લેસમેન્ટનો સામનો

ટીવી સ્ટાર તારા સુતારિયાની બોલિવૂડ સફર: ડિઝની ચેનલથી 'અપૂર્વા' સુધી, વચ્ચે રિપ્લેસમેન્ટનો સામનો

બોલિવૂડમાં ઓળખ બનાવવાનું સપનું લઈને આવનાર દરેક કલાકારની સફર એકસરખી હોતી નથી. કેટલાકને ફિલ્મી પરિવારનો સહારો મળે છે, તો કેટલાક પોતાની પ્રતિભા અને મહેનતના બળે ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરે છે. એક્ટ્રેસ તારા સુતારિયાની સફર પણ આવી જ છે. એક્ટિંગની સાથે સંગીત અને સિંગિંગમાં રસ ધરાવતી તારાએ ટેલિવિઝનથી શરૂઆત કરી અને 2019માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી મોટા પડદા પર પગ મૂક્યો.

તારાની ફિલ્મી સફર અનેક અનુભવોમાંથી પસાર થઈ ચૂકી છે. તેણે રોમેન્ટિક અને ઍક્શન ફિલ્મોમાં કામ કર્યું અને ‘અપૂર્વા’ જેવી સર્વાઇવલ થ્રિલરમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ દરમિયાન તેને કેટલીક ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવી અને ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર હોવાના પડકારોનો સામનો કરવો પડ્યો.

તારા સુતારિયાનો જન્મ 19 નવેમ્બર 1995ના રોજ મુંબઈમાં થયો હતો. તેને બાળપણથી જ સંગીત અને પરફોર્મિંગ આર્ટ્સમાં રસ હતો. તેણે નાની ઉંમરે જ સિંગિંગની તાલીમ શરૂ કરી દીધી હતી. સંગીત ઉપરાંત તેને ડાન્સ અને પરફોર્મ કરવાનો પણ અનુભવ રહ્યો છે. તે લગભગ 15 વર્ષની ઉંમરથી મંચ પર પરફોર્મ કરી રહી છે. તારા હંમેશાં સિંગર અને પરફોર્મર બનવા માગતી હતી. બોલિવૂડમાં એક્ટિંગની તક મળ્યા બાદ પણ સંગીત તેના માટે મહત્વપૂર્ણ રહ્યું.

તારાએ મ્યુઝિકલ થિયેટરમાં પણ કામ કર્યું છે. તે રેલ પદમસીના પ્રોડક્શન ‘ગ્રીસ’ અને અશ્વિન ગિડવાનીના ‘બ્લેમ ઇટ ઑન યશરાજ’ જેવા મ્યુઝિકલ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી રહી છે. આ અનુભવથી તેને મંચ પર આત્મવિશ્વાસ અને દર્શકો સામે રજૂઆત કરવાની તક મળી.

ફિલ્મોમાં આવતાં પહેલાં તારા સુતારિયા ટેલિવિઝન પર કામ કરી ચૂકી હતી. તેણે ડિઝની ચેનલના શો ‘ધ સૂટ લાઇફ ઑફ કરણ એન્ડ કબીર’ અને ‘ઓએ જસ્સી’માં અભિનય કર્યો હતો. આ ઉપરાંત તેણે ‘બિગ બડા બૂમ’થી સિંગર અને પરફોર્મર તરીકે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ‘એન્ટરટેઇનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા’ અને ‘બેસ્ટ ઑફ લક નિક્કી’ જેવા ટીવી શોમાં પણ જોવા મળી હતી.

ટેલિવિઝન પર કામ કરવાથી તેને કેમેરા સામે અભિનય કરવાનો અને દર્શકો સાથે જોડાવાનો અનુભવ મળ્યો. આ તેની કારકિર્દીનો પ્રારંભિક તબક્કો હતો, જેણે તેને ફિલ્મોની દુનિયામાં પગ મૂકવા માટે તૈયાર કરી.

તારામાં સિંગિંગનું એક વધારાનું કૌશલ્ય પણ હતું. તેણે PTIને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ફિલ્મોમાં ગાવા માંગે છે અને ભવિષ્યમાં બોલિવૂડની ફિલ્મો માટે પણ ગાવા માંગે છે. તારા સુતારિયા 2014માં સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનના ટેલેન્ટ રિયાલિટી શો ‘એન્ટરટેઇનમેન્ટ કે લિએ કુછ ભી કરેગા’માં સિંગર અને પરફોર્મર તરીકે જોવા મળી હતી.

વર્ષ 2019 તારા સુતારિયાની કારકિર્દી માટે મહત્વપૂર્ણ રહ્યું. આ જ વર્ષે તેણે પુનીત મલ્હોત્રાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં હતાં. તારાએ ફિલ્મમાં મિયા ચાવલાનું પાત્ર ભજવ્યું. આ કૉલેજ લાઇફ, મિત્રતા, પ્રેમ અને સ્પર્ધા પર આધારિત વાર્તા હતી. ફિલ્મને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો, પરંતુ તારા માટે આ મોટા પડદા પર શરૂઆત કરવાની તક હતી.

તારાએ પોતાની ડેબ્યૂ ફિલ્મના પ્રદર્શન વિશે કહ્યું હતું કે, ફિલ્મને લઈને લોકોના અભિપ્રાયો અલગ હોઈ શકે છે, પરંતુ તેના અનુસાર ફિલ્મે કમાણી કરી હતી અને તે તેને નિષ્ફળ માનતી નહોતી. તારાએ જણાવ્યું હતું કે, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ના શૂટિંગ દરમિયાન તેને બીજી ફિલ્મોની ઑફર મળવા લાગી હતી. તેમાં ‘કબીર સિંહ’ અને ‘મરજાવાં’ જેવી ફિલ્મો સામેલ હતી. તેનું ડેબ્યૂ એવા સમયે થયું હતું, જ્યારે તે એક્ટિંગ સાથે સિંગિંગ અને સ્ટેજ અનુભવને પણ આગળ વધારવા માગતી હતી.

‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ પછી તારા સુતારિયાની બીજી ફિલ્મ ‘મરજાવાં’ હતી, જે 2019માં રિલીઝ થઈ હતી. મિલાપ જાવેરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકાઓમાં હતાં. તારાએ ફિલ્મમાં ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. તેનું પાત્ર બોલી કે સાંભળી શકતું નહોતું. તેને સંવાદોને બદલે હાવભાવ અને સાંકેતિક ભાષા દ્વારા અભિનય કરવો પડ્યો હતો. તારા કહે છે કે, તેણે આ ભૂમિકા માટે સાંકેતિક ભાષા શીખવા પર કામ કર્યું. તે ઇચ્છતી હતી કે તેના અભિનયમાં એવી કોઈ ભૂલ ન થાય, જેનાથી સંબંધિત સમુદાયને ઠેસ પહોંચે.