તાપી જિલ્લાના વાલોડમાં આવેલી કોપર સુગર મિલમાં ગરમ પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઈ જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકો દાદરિયા અને કલકવા ગામના રહેવાસી હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર, ટાંકી તૂટી પડી તે સમયે ત્યાં કામ કરી રહેલા શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા ઊભી થતાં મિલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય શરૂ કરાયું અને કાટમાળમાં કોઈ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરાઈ હતી. લાંબી શોધખોળ બાદ કાટમાળ નીચેથી બે શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
દુર્ઘટના બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ઘરના મોભીના અકસ્માતે મૃતકોના પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે. બંને ગામોમાં પણ શોક છવાયો છે.
આ બનાવ બાદ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મૃતકોના પરિવારજનોએ ટાંકી ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા અને બેદરકારી અંગે યોગ્ય તપાસની માગ કરી છે.