સત્ય. સાહસ. સંકલ્પ.

તાપીમાં સંપત્તિ વિવાદમાં યુવકનો આપઘાત, વાયરલ ઓડિયોમાં પાંચ શખ્સો સામે આક્ષેપ

તાપીમાં સંપત્તિ વિવાદમાં યુવકનો આપઘાત, વાયરલ ઓડિયોમાં પાંચ શખ્સો સામે આક્ષેપ

તાપી જિલ્લાના સોનગઢમાં મકાન અને જમીન સંપત્તિના વિવાદમાં દીપક નાયર નામના યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલાં તેમણે રેકોર્ડ કરેલો ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આખા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે. આ ઓડિયોમાં યુવકે જમીન અને પારિવારિક સંપત્તિના વિવાદ અંગે પાંચ વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

વાયરલ ઓડિયોમાં દીપક નાયરે સલીમ મુલ્લાં, તેમના પુત્ર વસીમ સલીમ મુલ્લાં, સાબીર અબ્બાસ પઠાણ, રિયાઝ શેખ અને ઈમ્તિયાઝ શેખનાં નામ લઈને આક્ષેપો કર્યા છે. યુવકના જણાવ્યા મુજબ, ઘરની જમીન અને સંપત્તિને લગતા વિવાદમાં તેમને તથા તેમના પરિવારને લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જોકે, ઓડિયોમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

યુવક સાતથી આઠ વર્ષથી મકાન-સંપત્તિના વિવાદમાં ન્યાય માટે લડતો હતો. ઓડિયોમાં તેમણે કહ્યું, “આજે મેં જે કંઈ કર્યું છે, તે મેં મારા પિતાના સગાવાલા અને મારા પિતાની રખેલ દારૂવાળીના કારણે કર્યું છે. આ બધું મેં સલીમ મુલ્લા, સલીમ મુલ્લાના છોકરા અને સાબીર અબ્બાસ પઠાણના થકી કર્યું છે. આજે રાતે સલીમ મુલ્લાની ઓફિસમાંથી બધી મહિલાઓ આવી હતી અને મને કહીને ગઈ કે અમને બધાને દરવાજા પાસે ઊભા રહીને ગાળો આપે છે. આ લોકો જીવતા સળગાવી દેવાની ધમકીઓ આપી રહ્યા છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે પોતાના પરિવારના ધર્મ અંગે પણ ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેમના દાદાએ દાદી સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને છૂટાછેડા બાદ દાદીએ તેમના પિતાના લગ્ન તેમની માતા સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ કરાવ્યા હતા. આ લોકો આ પુરાવા ગાયબ કરવા માંગે છે અને તેમને મોટા ષડયંત્રમાં ફસાવવાની સાજિશ કરી રહ્યા છે એવો આક્ષેપ તેમણે કર્યો.

ઓડિયોમાં યુવકે જણાવ્યું કે તેમને ખબર પડી હતી કે સાબીર અબ્બાસ પઠાણ કહેતો હતો કે “કોઈ ટેન્શન નહિ, અપને બચ જાયેંગે, બાકી અભી ઇસકી બારી, પૂરા ખાનદાન જલા ડાલેંગે.”

આપઘાત પહેલાં યુવકે પોતાની ઈચ્છા જણાવતાં કહ્યું કે તેમનું ઘર તેમની બહેન આશાને આપી દેવામાં આવે અને માતાને વૃદ્ધાશ્રમમાં સેટલ કરીને આ ઘર વૃદ્ધાશ્રમમાં કે કેન્સરના દર્દીઓને દાન કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે તેમનો ભાઈ માનસિક રીતે નાના છોકરા જેવો છે અને તેને ગંભીર બીમારી છે.

યુવકે જણાવ્યું કે છેલ્લા સાત-આઠ વર્ષથી તે આ લડાઈ લડતો હતો અને આ સમયગાળામાં તેનું ગામમાં ફરવાનું અને લોકો સાથે વાતચીત કરવાનું બંધ કરાવી દેવામાં આવ્યું હતું.

ઓડિયોમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના અન્ય મંત્રી અને જયરામભાઈ ગામીત સુધી પોતાનો સંદેશ પહોંચાડવાની અપીલ કરી હતી. જમીન વિવાદ અને દસ્તાવેજોમાં કથિત ફેરફારના મામલે CBI તપાસ કરાવવાની માંગ પણ તેમણે કરી હતી. તેમણે કહ્યું કે લોકડાઉન દરમિયાન ચાર-પાંચ લોકો તેમના દાદાને ઉઠાવી ગયા હતા અને હુકમનામાના દાખલા કાઢીને નામ ચડાવી દીધું હતું. આ મામલે તેમણે લડત ચલાવી અને ન્યાયની નજીક પહોંચ્યા હતા ત્યારે આ લોકોએ આખું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો.

યુવકે ઓડિયોમાં જણાવ્યું કે આ પગલું તેમણે પોતાની રીતે લીધું છે, કોઈની ધાક-ધમકીથી નહીં. તેમણે કહ્યું કે વર્ષો સુધી ન્યાય માટે દોડધામ કરવા છતાં ન્યાય મળ્યો નહીં અને જેની પાસે ન્યાય માંગવા ગયા તે બધા માણસોમાં આ લોકોએ નકારાત્મકતા ફેલાવી દીધી છે. તેમણે આરોપ મૂક્યો કે સલીમ મુલ્લા, તેમનો પુત્ર, સાબીર અબ્બાસ પઠાણ, રિયાઝ શેખ અને ઈમ્તિયાઝ શેખે ભેગા મળીને ષડયંત્ર રચ્યું છે.

ઓડિયો-વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી છે. મૃતકની માતા રાધાબેન નાયરની ફરિયાદના આધારે પોલીસે પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. આ પાંચમાં સોનગઢમાં રહેતા સલીમ મુલ્લા, સલીમ મુલ્લાનો પુત્ર વસીમ ઉર્ફે દાદુ, રિયાઝ શેખ, ઈમ્તિયાઝ શેખ અને ઉકાઈના ભીમપુરામાં રહેતા બિપીન રતનભાઈ ગામીતનો સમાવેશ થાય છે. પોલીસે BNSની કલમ 108 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે.

યુવકની અંતિમયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી અને તેમના ઘરની આસપાસની શેરીઓમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ અને ઓડિયોમાં કરવામાં આવેલા આક્ષેપોની ચકાસણી માટે તપાસ આગળ ધપાવી રહી છે.