સત્ય. સાહસ. સંકલ્પ.

યુથ ઓલિમ્પિક્સ: 15 વર્ષની તન્વી પાત્રી ફાઇનલમાં, ચીનની ઝાંગ સામે ગોલ્ડ માટે ટક્કર

યુથ ઓલિમ્પિક્સ: 15 વર્ષની તન્વી પાત્રી ફાઇનલમાં, ચીનની ઝાંગ સામે ગોલ્ડ માટે ટક્કર

15 વર્ષની ભારતીય બેડમિન્ટન ખેલાડી તન્વી પાત્રી યુથ ઓલિમ્પિક ગેમ્સની મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ તે આ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. ભારત માટે આ ઇવેન્ટમાં પ્રથમ મહિલા સિંગલ્સ મેડલ પણ નિશ્ચિત થઈ ગયો છે.

સેમિફાઇનલમાં તન્વીએ જાપાનની બીજા ક્રમાંકની ખેલાડી યુજુનો વતનાબેને 21-14, 11-21, 21-19થી હરાવી. હવે ગોલ્ડ મેડલ મેચમાં તેનો મુકાબલો ચીનની શિન ઝાંગ સાથે થશે.

મુકાબલાની શરૂઆત તન્વીએ સારી રીતે કરી અને પહેલી ગેમ 21-14થી જીતી. જોકે વતનાબેએ બીજી ગેમમાં કમબેક કરીને 21-11થી જીત મેળવી અને મુકાબલો નિર્ણાયક ગેમ સુધી ખેંચ્યો. ત્રીજી ગેમમાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. એક તબક્કે મુકાબલો બરાબરી પર હતો, પણ તન્વીએ મહત્વના ક્ષણોમાં સંયમ જાળવી રાખ્યો અને 21-19થી ગેમ જીતીને ફાઇનલમાં સ્થાન પક્કું કર્યું.

તન્વીએ આ વર્ષે U-17 એશિયન ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં તેની સામે ચીનની મજબૂત ખેલાડી યી શિન ઝાંગ છે, જેણે તાજેતરમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્ષે એશિયા જુનિયર ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં આ બંને ખેલાડીઓ આમનેસામને આવી હતી, ત્યારે તન્વીને 18-21, 16-21થી હાર સહન કરવી પડી હતી.

યુથ ઓલિમ્પિક્સમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓનું પ્રદર્શન અગાઉ પણ સારું રહ્યું છે. એચએસ પ્રણયે 2010માં સિંગાપોરમાં યોજાયેલી પ્રથમ યુથ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી લક્ષ્ય સેન 2018માં બ્યુનોસ આયર્સમાં રનર-અપ રહ્યો હતો, જ્યારે 2014માં આદિત્ય જોશી બોયઝ સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચ્યો હતો.