બોલિવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની વયે નિધન થયું. ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટ થતાં તેમને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. તેમના નિધનથી બોલિવૂડ, સાઉથ સિનેમા અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બીજી તરફ, નાના પાટેકર સામે 2018માં #MeToo ચળવળ હેઠળ જાતીય સતામણીનો આરોપ લગાવનારી અભિનેત્રી તનુશ્રી દત્તાએ તેમના નિધન પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. તેણે નાનાને 'એવિલ' (દુષ્ટ) ગણાવ્યો છે અને કહ્યું છે કે, 'એવિલ મરી ગયો છે અને હવે મારું જીવન સારા દિવસો તરફ પાટે ચડી ગયું છે!'
તનુશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને કહ્યું, 'દુનિયાના અનુભવો કોઈ વ્યક્તિ સાથે અલગ હોઈ શકે છે, પણ મારો અનુભવ તો મને ખબર છે. હું ડાટેલા મડદાં ઉખાડવા માંગતી નહોતી, તેથી મેં પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું. પણ એનો અર્થ એ નથી કે જે મરી ગયો છે, તેણે જીવતેજીવતાં જે કર્યું છે તે ભૂંસાઈ જાય છે?'
તેણે વધુમાં કહ્યું, 'તેણે જેટલા લોકોને હેરાન કર્યા છે, જેટલા લોકોને વિક્ટિમાઇઝ કર્યા છે, તે ખાતું બંધ થઈ જાય છે? લોકો માફ કરવાની વાત કરી રહ્યા છે. ભગવાન પણ માફી માંગ્યા વિના માફ નથી કરતા. ભગવાન સામે પણ ભૂલ સ્વીકારવી પડે છે, પશ્ચાતાપ કરવો પડે છે.'
તનુશ્રીએ કહ્યું, '#MeToo પછી મારી હાલત ખરાબ થઈ ગઈ. જે છોકરી કોઈપણ ડર વિના આખી દુનિયામાં ફરતી હતી, જ્યારે હું મિસ ઇન્ડિયા બની, જ્યારે હું ટોપની એક્ટ્રેસ હતી, ત્યારે પણ મને સિક્યોરિટીની જરૂર પડી નથી. મીટુ પછી મારી સાથે એટલી ખરાબ ઘટનાઓ ઘટી છે કે તમને સજ્જનોને કહીશ તો ચહેરો શરમથી પાણી-પાણી થઈ જશે.'
તેણે વાત આગળ વધારતા કહ્યું, 'તો જ્યારે હું કહું છું કે એવિલ ઇઝ ડેડ, તો હું તે માનું છું. આ મારી રિયાલિટી છે. એટલે આ સાલો મરતાં મરતાં પણ મને હેરાન કરી ગયો. મને કોઈ ખુલાસા આપવાની જરૂર નથી. પણ આ જે નેગેટિવિટી ચાલી રહી છે ને, કેટલાક યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના વ્યુઝ અને લાઇક્સ વધારવા મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે.'
તનુશ્રીએ આગળ કહ્યું, '2020 પછી મારા પર જીવલેણ હુમલા થયા છે. મારા જીવનનો એક-એક દિવસ મેં સંઘર્ષ કર્યો છે, માત્ર આ માણસના લીધે. એ એકલો મને પરેશાન નહોતો કરતો, ગ્રુપમાં મળીને હેરાન કરતો હતો. અને આ કેવો સજ્જન છે, અંડરવર્લ્ડ ડોન માન્યા સુર્વેનો કઝીન છે. નાના પાટેકર રાક્ષસની પૂંછડી. આજે રાક્ષસ મર્યો છે. મારા જીવનનો જે સૌથી મોટો અસૂર હતો, જેણે મારું જીવન હરામ કરી નાખ્યું હતું.'
ઉલ્લેખનીય છે કે, 2018માં તનુશ્રી દત્તાએ #MeToo ચળવળ હેઠળ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, 2009માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર નાનાએ તેમને હેરાન કરી હતી. તનુશ્રીએ આરોપ લગાવ્યો હતો કે નાના પાટેકર જબરદસ્તી તેમની નજીક આવવા માંગતા હતા અને શૂટિંગ દરમિયાન ગીતનો ભાગ ન હોવા છતાં તેમની સાથે ઇન્ટિમેટ થવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેણે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ફિલ્મમાં રાખી સાવંતને તેની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવી હતી.
જોકે, બાદમાં મુંબઈની કોર્ટે તનુશ્રીની અરજી ફગાવી દેતાં નાના પાટેકર સામેનો જાતીય સતામણીનો કેસ બંધ કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે એક્ટર સામેના આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. તનુશ્રીએ આરોપ લગાવ્યો હતો કે નાનાની પીઆર ટીમ ખોટા સમાચાર ફેલાવી રહી છે.
તનુશ્રી દત્તા 'દૃશ્યમ' ફેમ ઇશિતા દત્તાની સગી બહેન છે અને તેણે 'આશિક બનાયા આપને', 'ભાગમ ભાગ', 'ઢોલ', 'ગુડ બોય બેડ બોય' અને 'રિસ્ક' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.